વર્લ્ડ કલાસ કામના દાવા પોકળ સાબિત, સેમ્પલ લઇ તપાસ શરૂ, જવાબદારો સામે કડક પગલાનો નિર્દેશ
સાંતલપુર તાલુકામાંથી પસાર થતો ભારતમાલા માર્ગ પ્રથમ જ વરસાદમાં તૂટી પડતા સ્થાનિકોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. વિદેશી ધોરણના દાવા સાથે બનેલો અને મહત્વાકાંક્ષી ભારતમાલા માર્ગ માત્ર થોડા સમયમાં જ ખસ્તાહાલ થતા તંત્ર સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ઘટનાની ગંભીરતા જોઈ આજે દિલ્હીથી ઉચ્ચ અધિકારીઓએ પાટણ જિલ્લાના તૂટી ગયેલા સ્થળે તાત્કાલિક મુલાકાત લીધી હતી.
દિલ્હીના ભારતમાલા પ્રોજેક્ટના ડાયરેક્ટર વૈકટ રમન, પાટણ જિલ્લા કલેક્ટર, રોડ અને મકાન વિભાગના અધિકારીઓ, તેમજ ફિલ્ડ ઈજનેરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. તૂટી ગયેલા માર્ગના વિવિધ ભાગોનું તાત્કાલિક નિરીક્ષણ કરવામાં આવ્યું અને બાંધકામ સામગ્રીના સેમ્પલ સંગ્રહ કરવામાં આવ્યા.
અધિકારીઓએ નિરીક્ષણ બાદ જાહેરમાં જણાવ્યું કે, તૂટેલા ભાગને તાત્કાલિક રીપેર કરવા કામગીરી આજથી શરૂૂ કરાશે અને આવનારા 15 દિવસની અંદર ટ્રાફિક વ્યવસ્થા પુન:સામાન્ય બનાવી દેવાશે. હાઈવેના બંને બાજુના ગામોમાં રહેતા લોકોને હાલ વધુ મુશ્કેલીઓ ન ભોગવવી પડે તે માટે તાત્કાલિક સમાધાન લાવવાનું વચન અપાયું છે.
સંતલપુરના ગ્રામજનો અને દૈનિક યાત્રાળુઓએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતાં કહ્યું કે, આ રોડ તો પથ્થર માટી કરતાં પણ નબળી ગુણવત્તાનો છે. પહેલી જ વરસાદમાં રસ્તો તૂટી ગયો – આ સીધી ભ્રષ્ટાચારની નિશાની છે. વિશેષ કરીને વાહનચાલકો, વ્યવસાયિકો અને નજીકના મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે આ માર્ગ મહત્વપૂર્ણ વાહન વ્યવહાર માટે જરૂૂર હોય . આવી સ્થિતિમાં માર્ગ બંધ થવાથી તેમના વ્યવસાય પર સીધી અસર પડી છે.
