ધોરણ-12ના પરિણામો જાહેર થયા બાદ હવે વિદ્યાર્થીઓ કોલેજ પ્રવેશ માટેની તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. UGCદ્વારા દેશભરમાં કાર્યરત 32 જેટલી ’બોગસ’ યુનિવર્સિટીઓની યાદી જાહેર કરી વિદ્યાર્થીઓને ત્યાં પ્રવેશ ન લેવા તાકીદ કરવામાં આવી છે. આ સંસ્થાઓ પાસે ડિગ્રી આપવાની કોઈ સત્તા નથી અને ત્યાંથી મેળવેલી ડિગ્રી માત્ર રદ્દી કાગળ સમાન ગણાશે તેવી સ્પષ્ટતાં પણ કરવામાં આવી છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન-UGCદ્વારા તાજેતરમાં એવી સ્પષ્ટતાં કરવામાં આવી છે કે, ડિગ્રી માત્ર એવી જ સંસ્થાઓ આપી શકે છે કે જે યુનિવર્સિટીઓ કે કોલેજને કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયમો પ્રમાણે સ્થાપિત કરવામાં આવી હોય અને આ સંસ્થાઓને યુજીસી અધિનિયમ 1956 પ્રમાણે ડિગ્રી એનાયત કરવાની મંજુરી આપવામાં આવી હોય છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશનના ધ્યાનમાં આવ્યું છે કે, કેટલીય સંસ્થાઓ યુજીસીના નિયમોની વિરુધ્ધ જઇને વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરી રહી છે. આ પ્રકારની યુનિવર્સિટીઓ કે સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી ડિગ્રીઓ માન્ય નથી અને તેના કારણે ઉચ્ચ શિક્ષણ અને રોજગારના ઉદ્દેશ્યોમાં પણ રૂૂકાવટ આવી શકે છે.
જેના કારણે દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને એવી સૂચના આપવામાં આવી છે કે, કોઇપણ કોલેજ કે યુનિવર્સિટીમાં પ્રવેશ લેતાં પહેલાં મન્યતાં પ્રાપ્ત અને ગેરકાયદે- નકલી યુનિવર્સિટીઓની યાદીઓની જાણકારી હોવી જરૂૂરી છે. યુજીસી દ્વારા હાલમાં 32 જેટલી બોગસ યુનિવર્સિટી-કોલેજોની યાદી જાહેર કરવામાં આવી છે. આ સિવાય કોઇપણ કોલેજ કે યુનિવર્સિટી આ પ્રકારની કામગીરી કરતી હોય તો તેની જાણકારી પણ યુજીસીની પહોંચતી કરવા માટે સૂચના આપવામાં આવી છે. મહત્વની વાત એ કે, દરવર્ષે યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન દ્વારા પ્રવેશ પ્રક્રિયા શરૂૂ થાય તે પહેલા બોગસ યુનિવર્સિટીઓની યાદી જાહેર કરવામાં આવતી હોવા છતાં અનેક વિદ્યાર્થીઓ બોગસ યુનિવર્સિટીઓમાં પ્રવેશ લઇને રૂૂપિયા અને સમય બરબાદ કરતાં હોય છે. આગામી દિવસોમાં જુદા જુદા રાજ્યોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂૂ થવાની છે ત્યારે ફરી એકવાર યુજીસી દ્વારા બોગસ યુનિવર્સિટી અને સંસ્થાઓની યાદી જાહેર કરવામાં આવી છે.
દિલ્હીમાં સૌથી વધુ 12 સંસ્થાઓ એવી છે કે જેને યુજીસીની કોઇ મંજુરી નથી. જેમાં નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ, ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ સાયન્સ એન્ડ ઇજનેરી,વિશ્વકર્મા ઓપન યુનિવર્સિટી, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયુટ ઓફ પબ્લિક એન્ડ ફિઝિકલ હેલ્થ સાયન્સ, કોમર્શિયલ યુનિવર્સિટી લીમીટેડ, વોકેશનલ યુનિવર્સિટી સહિતની સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેરળમાં 2, મહારાષ્ટ્રમાં 2, પશ્ચિમ બંગાળમાં 2, ઉત્તર પ્રદેશમાં 4, પોંડીચરીમાં 2, આંધ્રપ્રદેશમાં 2, અરુણાચલ પ્રદેશમાં 1, હરિયાણામાં 1, કર્ણાટકમાં 2, રાજસ્થાનમાં 1 અને ઝારખંડમાં 1 યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.
