બાંગ્લાદેશને હમણાં ભારતવિરોધી વા ઉપડેલો છે એટલે ભારત કંઈ પણ કરે તેને વાકું જ પડી જાય છે. તાજો દાખલો બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય દિને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોસ્ટ સામે ઉઠાવેલો વાંધો છે. બાંગ્લાદેશે 16 ડિસેમ્બર 1971ના રોજ ભારતની મદદથી પાકિસ્તાનથી આઝાદી મેળવી હતી તેથી બાંગ્લાદેશમાં સ્વતંત્રતા દિવસને વિજય દિવસ તરીકે ઊજવવામાં આવે છે. બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય દિને મોદીએ સોમવારે સોશિયલ મીડિયા એક્સ પર 1971ના યુદ્ધ વિશે પોસ્ટ કરી હતી. મોદીએ યુદ્ધમાં જીવ ગુમાવનારા સૈનિકોનાં બલિદાનને યાદ કરીને ભારતની જીતમાં તેમના યોગદાનને મહત્ત્વપૂર્ણ ગણાવતાં લખેલું લખેલું કે, આજે, વિજય દિવસ પર, અમે 1971માં ભારતની ઐતિહાસિક જીતમાં યોગદાન આપનારા બહાદુર સૈનિકોની હિંમત અને બલિદાનનું સન્માન કરીએ છીએ. તેમના નિ:સ્વાર્થ સમર્પણ અને અતૂટ સંકલ્પે આપણા રાષ્ટ્રનું રક્ષણ કર્યું અને આપણને ગૌરવ અપાવ્યું. આ દિવસ તેમની અસાધારણ બહાદુરી અને તેમની અટલ ભાવનાને શ્રદ્ધાંજલિ છે.
તેમનું બલિદાન પેઢીઓને કાથમ પ્રેરણા આપશે અને આપણા રાષ્ટ્રના ઈતિહાસમાં ઊડે સુધી જડિત રહેશે. મોદીની પોસ્ટમાં કશું ખોટું નથી કેમ કે બાંગ્લાદેશને આઝાદ કરાવવામાં ભારતીય સૈનિકોએ સક્રિય ભૂમિકા ભજવી હતી અને 1600 ભારતીય જવાનો શહીદ થયા હતા. પાકિસ્તાને ભારત પોતાની આંતરિક બાબતમાં દખલ કરે છે એવું કહીને હુમલો કર્યો પછી ભારતે તેનો જડબાતોડ જવાબ આપીને પાકિસ્તાનને પછાડયું હતું એ જોતાં ભારત માટે 1971નું યુદ્ધ ભારતનું પોતાનું યુદ્ધ હતું પણ બાંગ્લાદેશે તેની સામે પણ વાંધો લીધો છે.
બાંગ્લાદેશના કાયદા સલાહકાર આસિફ નઝસ્લે 1971ની જીતમાં ભારતીય સૈનિકોના યોગદાનને માન આપીને 16 ડિસેમ્બરને વિજય દિવસ તરીકે ઉજવતી પીએમ મોદીની સોશિયલ મીડિયા પોસ્ટ સામે વળતી પોસ્ટ કરી છે. નઝરલે ફેસબુક પર પોસ્ટ મૂકીને ડહાપણ ડહોળ્યું છે કે, 16 ડિસેમ્બર બાંગ્લાદેશનો વિજય દિવસ છે અને બાંગ્લાદેશ ભારપૂર્વક કહે છે કે બાંગ્લાદેશની જીતમાં ભારત માત્ર એક સાથી હતો, અને તેનાથી વધુ કંઈ નહોતો તેથી હું મોદીની વાતનો સખત વિરોધ કરું છું. બાંગ્લાદેશના કટ્ટરવાદીઓ અને ભારત વિરોધીઓએ નઝરલની વાતમાં ટાપસી પૂરાવી છે તેમાં બાંગ્લાદેશી સોશિયલ મીડિયા પર ભારત વિરોધી માહોલ થઈ ગયો છે. ભારતને આ બકવાસ વાતોથી કોઈ ફરક પડતો નથી પણ બાંગ્લાદેશના હાલના શાસકો કેટલા નગુણા છે તેનો આ પુરાવો છે.