ભારતના ચિકન નેક નજીક બાંગ્લાદેશે ચીનને એરફિલ્ડ બનાવવા મંજુરી આપી

  ચીન બાંગ્લાદેશના લાલમો નિરહાટ જિલ્લામાં એરફિલ્ડ તૈયાર કરી રહ્યું છે. ભારત સરકારને આ માહિતી મળી છે, જેને લઈને એલર્ટની સ્થિતિ છે અને સંપૂર્ણ દેખરેખ…

 

ચીન બાંગ્લાદેશના લાલમો નિરહાટ જિલ્લામાં એરફિલ્ડ તૈયાર કરી રહ્યું છે. ભારત સરકારને આ માહિતી મળી છે, જેને લઈને એલર્ટની સ્થિતિ છે અને સંપૂર્ણ દેખરેખ રાખવામાં આવી રહી છે. બાંગ્લાદેશનો લાલમોનિરહાટ જિલ્લો ભારતના વિસ્તાર સાથે જોડાયેલ છે જેને ચિકન નેક કહેવામાં આવે છે અને તે વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી ખૂબ જ સંવેદનશીલ છે. લાલમોનિરહાટ જિલ્લો પશ્ચિમ બંગાળના કૂચ બિહાર અને જલપાઈગુડીને અડીને આવેલો છે. બંગાળના આ બે જિલ્લાઓ ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યોને બાકીના ભારત સાથે જોડે છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશે ચીનને તેમની ખૂબ નજીક એરફિલ્ડ બનાવવાની મંજૂરી આપીને ભારતની ચિંતા વધારી છે. ચિકન નેક આ વિસ્તારથી નજીકમાં છે અને આનાથી ભારતની કનેક્ટિવિટી અને સુરક્ષાની ચિંતા વધી છે.

મોહમ્મદ યુનુસ તાજેતરમાં ચીનની મુલાકાતે ગયા હતા. મિડીયાના રિપોર્ટ અનુસાર માનવામાં આવે છે કે આ દરમિયાન ચીનના એરફિલ્ડને તૈયાર કરવા પર વાતચીત થઈ હશે. જોકે, આ પ્રોજેક્ટને લઈને બંને દેશો વચ્ચેની વાતચીતના સત્તાવાર દસ્તાવેજોમાં કોઈ ઉલ્લેખ નથી. જિલ્લાના ચિકન નેક પાસે લાલમોનીરહાટ સ્થિત હોવા અને ત્યાં બનાવવામાં આવી રહેલા એરફિલ્ડને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચીન અને પાકિસ્તાન જેવા દેશોની લાંબા સમયથી ચિકન નેક પર ખરાબ નજર છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં આ વિસ્તારમાં વસ્તી સંતુલન પણ બગડ્યું છે અને ભારતની સુરક્ષાના દૃષ્ટિકોણથી આ વિસ્તાર સતત સંવેદનશીલ છે.

મહત્વની વાત એ છે કે એક તરફ ચિકન નેકનો વિસ્તાર ઉત્તર-પૂર્વીય વિસ્તારને બાકીના ભારત સાથે જોડે છે તો બીજી તરફ તે નેપાળ, બાંગ્લાદેશ, ભૂતાન અને ચીન જેવા દેશો સાથે પણ સરહદ ધરાવે છે. તે પશ્ચિમ બંગાળમાં સ્થિત એક સાંકડો કોરિડોર છે, જે ઉત્તરપૂર્વને જોડે છે. ભારતીય સૈન્ય ઘણીવાર અહીં મજબૂત હાજરી ધરાવે છે.
હવે ભારતના પૂર્વ વિસ્તારની નજીક ચીની એરફોર્સ બેઝ નથી, પરંતુ હવે બાંગ્લાદેશમાં એરફિલ્ડનું નિર્માણ ચિંતાનો વિષય બનશે. તેની સીધી અસર ભારતની સુરક્ષા પર પણ પડશે.

સિક્કિમ અને પશ્ચિમ બંગાળ માટે આ ખાસ ચિંતાનો વિષય હશે, જે તેની ખૂબ નજીક સ્થિત છે. દરમિયાન એવી માહિતી મળી છે કે મોહમ્મદ યુનુસની ચીન યાત્રા બાદ હવે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડાર બાંગ્લાદેશ આવવાના છે. તે પહેલા વિદેશ સચિવ 17મી એપ્રિલથી મુલાકાતે આવશે. 2012 પછી આ પ્રથમ વખત બનશે જ્યારે પાકિસ્તાન તરફથી મંત્રી સ્તરની વ્યક્તિ ઢાકાની મુલાકાત લેશે.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *