ફિલ્મની ફરી સમીક્ષા કરવા અને વાંધાજનક સંવાદ પર રોક લગાવવાની માગણી
તાજેતરમાં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ ધુરંધરમાં બલોચ સમાજ સંબંધિત ડાયલોગ પર રોક લગાવવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મમાં કથિત ડાયલોગથી બલોચ સમુદાયની લાગણી દુભાઇ છે.
અરજદાર યાસીન અલ્લારખા બલોચ તરફથી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં ફિલ્મમાં વિવાદિત પ્રકારનો ડાયલોગ સામેલ કરવા બદલ ડિરેક્ટર આદિત્ય ધાર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.અરજદારે અરજીમાં રજૂઆત કરી છે કે હાઈકોર્ટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના અધ્યક્ષને ફિલ્મની ફરીવાર સમીક્ષા કરવા અને બંધારણીય માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા નિર્દેશ આપે.
આ સાથે જ અરજીમાં તમામ પ્લેટફોર્મ પર વાંધાજનક ડાયલોગ પ્રદર્શન અને પ્રસાર પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. આ ડાયલોગને ફિલ્મથી દૂર કરવામાં અથવા તેમાં ફેરફાર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આ ડાયલોગ બંધારણની કલમ 21 હેઠળ જીવન અને ગૌરવના અધિકારનું ઉલ્લંઘન કરે છે, કારણ કે તે સમગ્ર વંશીય જૂથને સ્વાભાવિક રીતે અવિશ્વસનીય ગણાવે છે, તેવો દાવો અરજદાર તરફથી કરવામાં આવ્યો છે.
અરજદારે અરજીમાં રજૂઆત કરી છે કે વિવાદિત ડાયલોગના સતત પ્રસારણથી પૂર્વગ્રહને અને સામાજિક દુશ્મનાવટને ઉશ્કેરવાનું જોખમ વધી શકે છે, જે જાહેર વ્યવસ્થા અને સાંપ્રદાયિક સંવાદિતા માટે ખતરા સમાન છે. આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત અને રણવીર સિંહ અભિનીત ફિલ્મ “ધૂરંધર” 5 ડિસેમ્બર, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.
મહત્વનું છે કે બલોચ મકરાણી સમાજ મૂળભૂત રીતે બલૂચિસ્તાનના મકરાણ પ્રદેશમાંથી ભારત આવ્યા છે ગુજરાતમાં તેમની 8 લાખથી વધુની વસ્તી છે, અને એકલા જૂનાગઢમાં 25 હજારથી વધુ બલોચ સમાજના નાગરિકો વસવાટ કરે છે ત્યારે ફિલ્મી ડાયલોગના કારણે છંછેડાયેલો આ વિવાદનો મધપૂડો આગામી સમાજમાં મોટું સ્વરૂૂપ ધારણ કરી શકે છે.
