ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના કોલીવાળા વિસ્તારમાં સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC) દ્વારા જુગાર ક્લબ પર દરોડો પાડવાની કાર્યવાહી દરમિયાન તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, SMCની ટીમ જુગારની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા માટે સ્થળ પર પહોંચી હતી. આ દરમિયાન કેટલાક શખ્સોએ પોલીસ ટીમની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો અને હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. પરિસ્થિતિ અચાનક વણસતા સ્ટેટ મોનીટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટરે (PI) આત્મરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાના હેતુથી હવામાં ફાયરિંગ કર્યું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. ફાયરિંગ બાદ વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને સ્થાનિક લોકોના ટોળા ઘટના સ્થળે એકત્ર થઈ જતા વાતાવરણ વધુ તંગ બન્યું હતું.
ફાયરિંગની ઘટનાની જાણ થતાં જ વેરાવળ શહેર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વધારાનો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, દરોડા દરમિયાન જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે તપાસ ચાલી રહી હતી. જોકે હુમલાના પ્રયાસમાં કેટલા લોકો સામેલ હતા, કોઈની અટકાયત કરવામાં આવી છે કે નહીં અને ફાયરિંગમાં કોઈને ઇજા પહોંચી છે કે નહીં તે અંગે અધિકૃત માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
ઘટના બાદ પોલીસ અને સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂૂ કરવામાં આવી છે. સ્થળ પરથી પુરાવા એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે અને આસપાસના CCTV ફૂટેજ તેમજ અન્ય તકનીકી પુરાવાઓના આધારે હુમલામાં સંડોવાયેલા શખ્સોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વધારાનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. પોલીસે સ્થાનિક લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી અને કાયદો હાથમાં ન લેવા ચેતવણી આપી હતી. ઘટનાને પગલે કોલીવાળા સહિત આસપાસના વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ શરૂૂ કરવામાં આવ્યું છે.
