અમેરિકાના ઓહાયોમાં હિન્દુ મંદિર પર હુમલો; પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા

  અમેરિકાના ઓહાયોમાં એક હિન્દુ મંદિર પર હુમલાની ઘટના સામે આવી છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન (HAF)એ દાવો કર્યો છે કે રિચમન્ડ હાઇટ્સ સ્થિત ‘શ્રી સ્વામિનારાયણ…

 

અમેરિકાના ઓહાયોમાં એક હિન્દુ મંદિર પર હુમલાની ઘટના સામે આવી છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન (HAF)એ દાવો કર્યો છે કે રિચમન્ડ હાઇટ્સ સ્થિત ‘શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામ હિન્દુ મંદિર’ પર ઈંટો ફેંકવામાં આવી હતી, જેનાથી મંદિરને નોંધપાત્ર નુકસાન થયું છે. HAF અનુસાર, આ ઘટના સ્થાનિક સમય મુજબ બપોરે લગભગ ૧:૩૦ વાગ્યે બની હતી. કોઈ અજાણી વ્યક્તિ અથવા વ્યક્તિઓએ ઈંટો ફેંકીને મંદિરને નિશાન બનાવ્યું હતું. HAFનું કહેવું છે કે આનાથી મંદિરને ભારે નુકસાન થયું છે.

HAFએ જણાવ્યું હતું કે આ ઘટનાના સર્વેલન્સ ફૂટેજ ઉપલબ્ધ છે અને સત્તાવાળાઓ તેની તપાસ કરી રહ્યા છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, આ ઘટના અંગે FBIના સિવિલ રાઈટ્સ યુનિટને પણ જાણ કરવામાં આવી રહી છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને કહ્યું કે તેઓ મંદિરના અધિકારીઓના સંપર્કમાં છે અને તમામ શક્ય મદદની ઓફર કરી છે.

આ ઘટનાને સંભવિત ‘હેટ ક્રાઈમ’ (દ્વેષપૂર્ણ ગુનો) ગણાવતા, સંસ્થાએ ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. HAFએ નોંધ્યું હતું કે આ ઘટના એવા સમયે બની છે જ્યારે અમેરિકામાં હિન્દુ અમેરિકન સમુદાય વિરુદ્ધ નફરત અને અપમાનજનક નિવેદનો વધી રહ્યા છે. સંસ્થાએ કાયદા અમલીકરણ એજન્સીઓને ગુનેગારોને પકડવાને પ્રાથમિકતા આપવા વિનંતી કરી હતી. વધુમાં, તેમણે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી એજન્સીઓને ભારતીય અને હિન્દુ અમેરિકન સમુદાયો વિરુદ્ધના દ્વેષપૂર્ણ ભાષણની જાહેરમાં અને સ્પષ્ટપણે નિંદા કરવા હાકલ કરી હતી. HAFએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે આ ઘટના મહાત્મા ગાંધીની જન્મજયંતિ અને ઓહાયોમાં ‘હિન્દુ હેરિટેજ મંથ’ (હિન્દુ વારસો માસ) ની શરૂઆતના દિવસે બની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *