પોલીસ પર હુમલો, ફરજમાં રૂકાવટ: રાહુુલ-પ્રિયંકા સામે ત્રણ FIR

વિપક્ષના વિરોધ પ્રદર્શનના સંદર્ભમાં દિલ્હી પોલીસે બુધવારે ત્રણ FIR નોંધી હતી. ગુરુવારે પોલીસે જણાવ્યું હતું કે આ મામલે વધુ FIR નોંધવામાં આવી રહી છે. આ…

વિપક્ષના વિરોધ પ્રદર્શનના સંદર્ભમાં દિલ્હી પોલીસે બુધવારે ત્રણ FIR નોંધી હતી. ગુરુવારે પોલીસે જણાવ્યું હતું કે આ મામલે વધુ FIR નોંધવામાં આવી રહી છે. આ FIR માં પોલીસકર્મીઓ પર કથિત હુમલો, જાહેર સેવકોને તેમની ફરજ બજાવતા અટકાવવા, ઝપાઝપી અને પોલીસ સાથે ગેરવર્તણૂક સંબંધિત વિવિધ કલમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી નોંધાયેલી FIR માં કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાના નામનો ઉલ્લેખ છે.

આ કાર્યવાહી બુધવારે થયેલા વિરોધ પ્રદર્શન બાદ કરવામાં આવી છે, જેમાં દિલ્હી પોલીસે ’ઈન્ડિયા’ ગઠબંધનના સાંસદોને જંતર-મંતર તરફ કૂચ કરતા અટકાવ્યા હતા. વિપક્ષી સાંસદો મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા હતા. તેઓ મતદાર યાદીની ’સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન’ (SIR) પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓ સામે વિરોધ કરી રહ્યા હતા.

વિરોધ પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધી સહિત વિપક્ષના અનેક સાંસદોની અટકાયત કરવામાં આવી હતી. રાહુલ ગાંધીને બારાખંબા રોડ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. તેઓ વિરોધ કરનારાઓને આગળ વધતા રોકવા માટે લગાવવામાં આવેલા બેરિકેડ ગેટને ખોલવાનો પ્રયાસ કરતા પણ જોવા મળ્યા હતા.

કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાની પણ અટકાયત કરવામાં આવી હતી અને તેમને છત્રસાલ સ્ટેડિયમ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસ કાર્યવાહી દરમિયાન તેઓ જમીન પર સૂતેલા જોવા મળ્યા હતા. બાદમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે પોલીસે વિરોધ કરી રહેલા સાંસદો સામે બળપ્રયોગ કર્યો હતો.
પોલીસ વાહનમાંથી બંધારણની નકલ બતાવતા પ્રિયંકા ગાંધીએ પત્રકારોને પૂછ્યું, “આ દેશમાં બંધારણનું હવે શું મૂલ્ય છે? અમે બંધારણ માટે અમારા પ્રાણ આપવા પણ તૈયાર છીએ. અમારા માટે તેનાથી મોટું કોઈ મૂલ્ય નથી.” ’રસ્તા પર ઉતરવાનું ચાલુ રાખીશું’

રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ અને ’ઈન્ડિયા’ ગઠબંધન બંધારણ અને લોકશાહીના રક્ષણ માટે રસ્તા પર ઉતરવાનું ચાલુ રાખશે. તેમણે ઉમેર્યું કે તેઓ આ ઉદ્દેશ્ય માટે ધરપકડ અને કાનૂની કાર્યવાહીનો સામનો કરવા તૈયાર છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ડ’ પર લખતા રાહુલ ગાંધીએ કહ્યું, “બંધારણ અને લોકશાહીને બચાવવા માટે, કોંગ્રેસ પક્ષ અને વિપક્ષ રસ્તા પર ઉતરવા, ધરપકડ વહોરવા અને ગમે તેટલી વાર કાનૂની કેસોનો સામનો કરવા તૈયાર છે.”

મને ઘેરી લઇ હત્યાનો પ્રયાસ: કથિત હુમલા પીડિત કોન્સ્ટેબલનો વીડિયો
કોંગ્રેસના નેતૃત્વમાં અનેક વિપક્ષી પક્ષો જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ ઘટનાઓ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે. બુધવારે દિલ્હીમાં શરૂૂ થયેલા કોંગ્રેસના વિરોધ પ્રદર્શન બાદ રડતા પોલીસ અધિકારીનો વીડિયો સામે આવ્યો છે. કોન્સ્ટેબલ અંકિત કસાનાએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસના વિરોધ દરમિયાન તેમના પર હુમલો થયો અને તેઓ ઘાયલ થયા. દિલ્હી પોલીસના કોન્સ્ટેબલ અંકિત કસાનાએ આરોપ લગાવ્યો કે બુધવારે કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન તેમના પર હુમલો કરવામાં આવ્યો, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા. કસાનાએ દાવો કર્યો કે કોઈએ તેમના હાથ પર બચકું ભર્યું, જેનાથી ઊંડો ઘા થયો. વાયરલ વીડિયોમાં પોતાની વ્યથા વ્યક્ત કરતા કસાનાએ કહ્યું કે જ્યારે પણ કોઈ ઘટના બને છે ત્યારે લોકો પોલીસને બોલાવે છે, પરંતુ જો આવી ઘટનાઓ ચાલુ રહેશે, તો કોણ પોતાના બાળકોને પોલીસ દળમાં મોકલવા માંગશે? અંકિત કસાના આરોપ લગાવે છે કે વિરોધ સ્થળ પર તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. તેઓ દાવો કરે છે કે કોઈએ તેમને બચકું ભર્યું અને નખ વડે ઈજા પહોંચાડી. તેઓ વીડિયોમાં એવું પણ કહે છે કે પ્રદર્શનકારીઓએ તેમનું યુનિફોર્મ ફાડી નાખ્યું હતું. કોન્સ્ટેબલે જણાવ્યું કે તેમણે પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓને અટકાયતમાં લીધા હતા. જ્યારે તેઓ તેમને ત્યાંથી દૂર લઈ જઈ રહ્યા હતા, ત્યારે તેમને ઘેરી લેવામાં આવ્યા અને ટોળા દ્વારા તેમની હત્યા કરવાનો પ્રયાસ (લિંચિંગ) કરવામાં આવ્યો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *