અશ્ર્વિને સમયસર નિવૃત્તિ લીધી: વિરાટ, રોહિત પણ ચીટકી રહેવાના બદલે વિદાય લે

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઑલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને ઈન્ટરનેશનલ ક્રિકેટના બધા જ ફોર્મેટમાંથી અચાનક નિવૃત્તિ લેવાની જાહેરાત કરીને સૌને આંચકો આપી દીધો. ઑસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ટેસ્ટ…

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઑલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને ઈન્ટરનેશનલ ક્રિકેટના બધા જ ફોર્મેટમાંથી અચાનક નિવૃત્તિ લેવાની જાહેરાત કરીને સૌને આંચકો આપી દીધો. ઑસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં ત્રીજી ટેસ્ટ ડ્રોમાં ગઈ પછી પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માની સાથે અશ્વિન હાજર થયો ત્યારે સૌને આશ્ચર્ય થયેલું કેમ કે અશ્વિન ત્રીજી ટેસ્ટમાં રમનારી ઈલેવનમાં નહોતો. અશ્વિને પ્રેસ કોન્ફરન્સમાં જ નિવૃત્તિની જાહેરાત કરીને સૌને વધારે મોટું અને અણધાર્યું આશ્ચર્ય આપી દીધું. અશ્વિને જાહેરાત કરી છે કે, પોતે ક્રિકેટના બધા જ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે અને ભારતીય ટીમ સાથે 18 ડિસેમ્બર, 2024 ને બુધવાર તેનો છેલ્લો દિવસ હતો. ભારતમાં ક્રિકેટરો જલદી ખસતા નથી તેથી અશ્વિનની નિવૃત્તિ સૌને આંચકાજનક લાગે છે, પણ અશ્વિને યોગ્ય સમયે આ નિર્ણય લીધો છે. ગૌરવભેર નિવૃત્તિનો અશ્વિનનો નિર્ણય સમયસરનો છે કેમ કે છેલ્લા કેટલાક સમયથી તેને સતત નિષ્ફળતા મળતી હતી. એડિલેડમાં રમાયેલી બીજી ટેસ્ટ અશ્વિનની છેલ્લી ટેસ્ટ હતી ને તેમાં અશ્વિનનું પ્રદર્શન સામાન્ય હતું.

પહેલી ઈનિંગમાં 22 ને બીજી ઈનિંગમાં સાત રન કરનારા અશ્વિનને ફાસ્ટ બોલરોની પિચ પર એક જ વિકેટ મળી હતી. મિશેલ માર્શ તેનો છેલ્લો શિકાર હતો. પહેલી ટેસ્ટમાં અશ્વિનને તક નહોતી મળી, પણ એ પહેલાં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટમાં અશ્વિનનો દેખાવ બહુ સાધારણ હતો. અશ્વિનની છેલ્લી બે સીરિઝ ભલે સારી ના ગઈ, પણ તેના કારણે તેની મહાનતા ઓછી થતી નથી. ભારતીય ક્રિકેટના સર્વકાલીન મહાન ક્રિકેટરોમાં તેનું નામ લેવું પડે એવી તેની કરિયર છે જ. તેમાં પણ ટેસ્ટમાં તો અશ્વિનની કક્ષાનો અનિલ કુંબલે સિવાય બીજો બોલર નથી આવ્યો. આંકડાની રીતે જોઈએ તો અશ્વિનને ભારતને અત્યાર સુધીમાં કપિલદેવ પછીનો શ્રેષ્ઠ ઑલરાઉન્ડર ગણવો પડે એવો દેખાવ છે. અશ્વિને 106 ટેસ્ટમાં 25.92 રનની એવરેજથી 3503 રન બનાવ્યા અને કુલ 6 ટેસ્ટ સદી ફટકારી છે. બોલિંગમાં તો વૈશ્વિક સ્તરે તેને મહાન સ્પિનરોમાં એક ગણવો પડે એવો તેનો રેકોર્ડ છે. આર. અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 106 મેચમાં 537 વિકેટ લીધી છે.

મતલબ કે, દરેક ટેસ્ટ મેચ દીઠ 5 વિકેટથી વધારેની અશ્વિનની એવરેજ છે. વિશ્વ ક્રિકેટમાં મહાન મનાતા ઘણા બોલરોની પણ પ્રતિ ટેસ્ટ 5 વિકેટની એવરેજ નથી હોતી એ જોતાં આ રેકોર્ડ બહુ સારો કહેવાય. ભારતમાં દક્ષિણ ભારતીય ક્રિકેટરો ગૌરવ સાથે નિવૃત્ત થઈ જવામાં માને છે. ટીમ માટે તમે અળખામણા થઈ જાઓ અને પછી ધક્કા મારીને કાઢવા પડે એવી સ્થિતિ પેદા થાય એ પહેલાં નિવૃત્ત થઈ જવામાં ગૌરવ છે એ વાત મોટા ભાગના ક્રિકેટરો સમજતા નથી. કપિલદેવ જેવા મહાન ક્રિકેટરને પણ આ વાત સમજાઈ નહોતી ને છેલ્લે છેલ્લે રિચર્ડ હેડલીનો સૌથી વધુ વિકેટનો વર્લ્ડ રેકોર્ડ તોડવા માટે કપિલદેવે રમ્યા કર્યું તેમાં તેમની આબરૂૂ પણ ઝંખવાયેલી. સામે સુનિલ ગાવસકરે પરફેક્ટ ટાઈમિંગ સાથે નિવૃત્તિ લઈને એક ઉદાહરણ સ્થાપિત કરેલું. રોહિત શર્મા અને વિરાટ કોહલી અશ્વિન પાસેથી પ્રેરણા લે એવી આશા રાખીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *