મુખ્યમંત્રીના કાફલાની 7 કારની મંજૂરી 7 માસથી લટકી !

સાત નવી ફોર્ચ્યુનર કાર કમિટીની મંજૂરી વગર કાફલામાં જોડી દેવાઈ: બે અધિકારીએ મંજૂરીમાં સહી કરી દીધી, એક આડા ફાટ્યા કામો ટલ્લે ચડી રહ્યાની આમ જનતાની…

સાત નવી ફોર્ચ્યુનર કાર કમિટીની મંજૂરી વગર કાફલામાં જોડી દેવાઈ: બે અધિકારીએ મંજૂરીમાં સહી કરી દીધી, એક આડા ફાટ્યા

કામો ટલ્લે ચડી રહ્યાની આમ જનતાની ફરિયાદો વચ્ચે CMOને પણ વાસ્તવિકતાનો ‘કડવો’ અનુભવ

ગુજરાતમાં 30 વર્ષથી એક ચક્રી શાસન ભોગવતી ભાજપ સરકારમાં હવે પ્રજાનો અવાજ સંભળાતો નથી અને લોકોના કામો ટલ્લે ચડી રહ્યાની ફરિયાદો સામાન્ય બની રહી છે. પરંતુ ખુદ મુખ્યમંત્રીને પણ હવે આ કડવો અનુભવ થઈ રહ્યો છે. મુખ્યમંત્રીના કાફલામાં સાત મહિના પહેલા સામેલ કરવામાં આવેલી સાત નવી ટોયોટા ફોર્ચ્યુનર કારની મંજુરી સાત માસથી મળી નથી અને મંજુરી વગર સી.એમ.ના કાફલામાં દોડી રહી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.

જો કે, સાતેય કાર નવી નકોર અને ટનાટન છે. કારમાં કાંઈ વાંધો નથી પરંતુ મુખ્યમંત્રીના કાફલામાં દોડતાં વાહનોની ટેકનીકલ સહિતની ચકાસણી માટે કાર્યરત આઈપીએસ અધિકારીઓની કમિટીમાં મંજુરી લટકી પડી હોવાનું બહાર આવ્યું છે.

પોલીસ બેડામાં ચર્ચા અનુસાર, મુખ્યમંત્રીના સુરક્ષા કાફલામાંથી જૂની સ્કોર્પિયોને વિદાય આપીને ફોર્ચ્યુનર સામેલ કરવામાં આવી તેની સત્તાવાર મંજૂરી હજુ સરકારી ફાઈલોમાં અટવાયેલી પડી છે. વાત એમ છે કે, મુખ્યમંત્રી કાફલા માટે આવેલી નવી કારની ટેકનિકલ અને સુરક્ષાલક્ષી તપાસણી કરવા માટે એક કમિટી બનાવવામાં આવે છે. કમિટીમાં સામેલ આઈપીએસ ઓફિસર્સ કારના ચેકિંગ કરી મંજૂરી આપે તે પછી કાર મુખ્યમંત્રીના કાફલામાં સામેલ કરવામાં આવે છે.

વર્તમાન સ્થિતિ એ છે કે, મુખ્યમંત્રી માટે ફોર્ચ્યુનર લવાઈ તે પછી સુરક્ષા કાફલામાં સાતેક મહિનાથી નવી સાત ફોર્ચ્યુનર આવી છે. કમિટિની મંજુરી વગર સુરક્ષાના જરૂૂરી ઉપકરણો લગાવી આ કાર કાફલામાં સામેલ કરાઈ છે. પરંતુ સી.એમ. કોન્વોય માટે ફાળવી દેવાયેલી કારની ફાળવણીની સત્તાવાર પ્રક્રિયા ચાલી રહી છે તેમાં વિવાદ સર્જાયો હોવાની ચર્ચા પોલીસ તંત્રમાં છે.

પોલીસ તંત્રમાં ચર્ચા મુજબ, આ નવી સાત ફોર્ચ્યુનરને મુખ્યમંત્રી કાફલામાં સામેલ કરવાની સત્તાવાર મંજૂરી આપતી સહિ એક સિનિયર આઈપીએસ અને એક એસ.પી. કક્ષાના આઈ.પી.એસ. કરી ચૂક્યા છે. પરંતુ કમિટીમાં સામેલ અન્ય એસ.પી. કક્ષાના આઈપીએસ ફાઈલમાં સહિ કરવા તૈયાર થયાં નથી. તેમણે તો એવું કહી દીઘું છે કે, તમામ સાત કાર લાવો… દરેકની ફિટનેસ ચેક કરીશ તે પછી જ સહિ કરીશ. મુખ્યમંત્રી કાફલામાં સામેલ થઈ ચૂકેલી કારની ફિટનેસ તપાસવાની જવાબદારી આ અધિકારીની છે. એટલે સત્તાવાર રીતે તેઓ સાચા છે. વાસ્તવિક રીતે હવે સંભવ જણાતું નથી.

સુરક્ષા કાફલાની કારની પૂરતી તકેદારી જવાબદારોએ લીધી છે. આ તમામ કાર કાફલામાં સામેલ થઈ ચૂકી છે. ત્યારે સત્તાવાર મંજૂરીની સહિ આવશ્યક છે. સિનિયરોની વાત નહીં સમજતા અને માનતા એસ.પી. કક્ષાના આઈપીએસ જીદે ચડ્યાની ચર્ચા છે. જ્યારે, જવાબદારો એક-બે દિવસમાં પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે તેમ કહે છે. આ વિવાદમાં કોણ કેટલું સાચું તે સ્પષ્ટ થઈ શકે તેમ નથી કારણ કે આઈપીએસ અધિકારીઓના પોતપોતાના તર્ક છે. સૌથી મોટો સવાલ એ છે કે, આઈપીએસની જીદ મોટી કે રાજ્યના મુખ્યમંત્રીની સુરક્ષા?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *