નવરાત્રીમાં ઈમર્જન્સી કેસો વધવાની શંકા, 108 સેવા તૈનાત

ગુજરાતના સૌથી મોટા લોકોત્સવ એવા નવરાત્રી પર્વ દરમિયાન અમદાવાદ શહેરમાં કોઈ પણ પ્રકારની તબીબી આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા 108 ઇમરજન્સી સેવા દ્વારા વિશેષ એક્શન પ્લાન…

ગુજરાતના સૌથી મોટા લોકોત્સવ એવા નવરાત્રી પર્વ દરમિયાન અમદાવાદ શહેરમાં કોઈ પણ પ્રકારની તબીબી આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા 108 ઇમરજન્સી સેવા દ્વારા વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. મોડી રાત સુધી ચાલતા ગરબા મહોત્સવ, રસ્તાઓ પર વાહનોની ભારે અવરજવર અને ભીડભાડના કારણે દર વર્ષે નવરાત્રી દરમિયાન વ્હિકલ ટ્રોમા (માર્ગ અકસ્માત) તેમજ નોન-વ્હિકલ ટ્રોમા (પડી જવું, બેભાન થવું કે અન્ય શારીરિક ઇજાઓ) ના કેસોમાં મોટો ઉછાળો જોવા મળતો હોય છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદ સહિત સમગ્ર વિસ્તારમાં 108 સેવાને રાઉન્ડ ધ ક્લોક સ્ટેન્ડબાય મોડ પર રાખવાનો નિર્ણય લેવાયો છે.

108 ઇમરજન્સી સર્વિસના અગાઉના ડેટા એનાલિસિસ મુજબ, નવરાત્રીના નવ દિવસો દરમિયાન મોડી રાત્રે સ્પીડમાં ડ્રાઇવિંગ અને ટ્રાફિકના દબાણને કારણે માર્ગ અકસ્માતોની સંખ્યામાં તીવ્ર વધારો નોંધાય છે. નવરાત્રીના સમયગાળા દરમિયાન દિવસ દરમિયાન સરેરાશ 100 થી વધુ માર્ગ અકસ્માતો નોંધાતા હોય છે.વર્ષ 2025 માં નવરાત્રીના 9 દિવસો દરમિયાન અમદાવાદ સહિતના વિસ્તારોમાં કુલ 1,092 અકસ્માતના ગંભીર કેસો નોંધાયા હતા, જેમાં 108 ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી જીવનરક્ષક સારવાર પૂરી પાડી હતી.

મારામારી અને ઇજાના કેસોમાં 10%થી વધુનો ઉછાળો
મોડી રાત સુધી ચાલતા આયોજનો, પાર્કિંગની તકરારો તેમજ ભીડભાડમાં ઉશ્કેરાટને કારણે સામાન્ય દિવસોની સરખામણીએ મારામારીના કેસોમાં પણ ઉછાળો જોવા મળે છે.નવરાત્રી દરમિયાન મારામારી અને અન્ય ઝઘડાઓમાં ઇજાગ્રસ્ત થવાના કેસોમાં સામાન્ય દિવસો કરતાં 10 ટકાથી વધુનો વધારો જોવા મળે છે.વર્ષ 2025 માં નવરાત્રીના નવ દિવસો દરમિયાન મારામારી અને શારીરિક ઇજાના કુલ 1,218 જેટલા કેસો સામે આવ્યા હતા.

સંવેદનશીલ વિસ્તારો અને પાર્ટી પ્લોટ્સ નજીક એમ્બ્યુલન્સ તૈનાત
કોઈપણ પ્રકારની મેડિકલ ઇમરજન્સીમાં ગોલ્ડન અવર દરમિયાન દર્દીને સારવાર મળી રહે તે માટે 108 તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.શહેરના મુખ્ય ગરબા ગ્રાઉન્ડ્સ, મોટા પાર્ટી પ્લોટ્સ, ક્લબ્સ અને મુખ્ય ટ્રાફિક જંકશનોની નજીક એમ્બ્યુલન્સ વાહનો વ્યૂહાત્મક રીતે તૈનાત રાખવામાં આવ્યા છે.કોલ મળતાં જ રિસ્પોન્સ ટાઈમ ઓછામાં ઓછો રહે તે માટે કંટ્રોલ રૂૂમમાં વધારાનો સ્ટાફ અને મેડિકલ ઓફિસરો ફરજ પર રહેશે.તંત્ર દ્વારા ખેલૈયાઓ અને વાહનચાલકોને મોડી રાત્રે સંયમપૂર્વક વાહન ચલાવવા અને કોઈ પણ તબીબી આપત્તિના સમયે વિલંબ કર્યા વિના 108 હેલ્પલાઇનનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *