ગુજરાત કોંગ્રેસ માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પક્ષમાં વિવિધ મહત્ત્વની જવાબદારીઓ નિભાવી ચૂકેલા દીપક બાબરિયાનું નિધન થયું છે. તેમના અવસાનના સમાચારથી કોંગ્રેસ પક્ષમાં શોકની લાગણી ફેલાઈ છે. પક્ષના નેતાઓ અને કાર્યકરોએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તમને જણાવી દઈએ કે, દીપક બાબરિયા રાહુલ ગાંધીના નજીકના વ્યક્તિઓમાના એક હતા.
દીપક બાબરિયાની રાજકીય કારકિર્દીની શરૂઆત શ્રમિકો અને ઔદ્યોગિક યુનિયનોના પ્રશ્નો માટે અવાજ ઉઠાવવાથી થઈ હતી. શ્રમિકોના હિત માટેની તેમની લડાયક ભૂમિકા અને આક્રમક રજૂઆતોને કારણે તેઓ રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે જાણીતા બન્યા હતા.
કોંગ્રેસ સંગઠનમાં પણ તેમણે લાંબા સમય સુધી મહત્ત્વની જવાબદારીઓ નિભાવી હતી. તેઓ પક્ષમાં મહામંત્રી સહિતના વિવિધ પદો પર રહી ચૂક્યા હતા. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન પ્રદેશ પ્રભારી તરીકેની જવાબદારી પણ તેમણે સંભાળી હતી. સંગઠનાત્મક કામગીરી અને ચૂંટણીલક્ષી વ્યૂહરચનામાં તેમનું યોગદાન મહત્ત્વનું રહ્યું હતું.
વર્ષ 2020માં બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ તેમની તબિયત અસ્વસ્થ રહેતી હતી, જેના કારણે તેઓ સક્રિય રાજકારણથી દૂર રહ્યા હતા.
દીપક બાબરિયાના નિધનથી ગુજરાત કોંગ્રેસે એક અનુભવી નેતા ગુમાવ્યા છે. નોંધનીય છે કે, ત્રણ દિવસ પહેલાં જ અમરેલીના વરિષ્ઠ કોંગ્રેસી નેતા વીરજી ઠુમ્મરના નિધનથી પક્ષને મોટો આઘાત લાગ્યો હતો. ત્યારે ટૂંકા ગાળામાં બે વરિષ્ઠ નેતાઓને ગુમાવતાં કોંગ્રેસમાં શોકનો માહોલ છવાયો છે.
દીપક બાબરિયાનું શ્રમિકોના હિત માટેનું કાર્ય, સંગઠન પ્રત્યેની નિષ્ઠા અને રાજકીય યોગદાન હંમેશાં યાદ રહેશે.
