અંજારના સિનુગ્રા ગામે મકાનમાંથી ગાંજાની ખેતીનો પર્દાફાશ, 16 કિલો ગાંજાના છોડવા મળ્યા

પંજાબની મહિલા ઝડપાઇ, ખેતીની ખબર ન પડે માટે લીલી નેટ બિછાવી દીધી હતી ! અંજાર તાલુકાના સિનુગ્રા ગામમાં એક મકાનમાંથી પોલીસે ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો…

પંજાબની મહિલા ઝડપાઇ, ખેતીની ખબર ન પડે માટે લીલી નેટ બિછાવી દીધી હતી !

અંજાર તાલુકાના સિનુગ્રા ગામમાં એક મકાનમાંથી પોલીસે ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો હતો. અહીં જમીનમાં ઉગાડેલા 38 ઝાડ તથા પેટી પલંગમાંથી એમ 16.251 કિલો રૂૂા. 1,62,110નો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જો કે, ગાંજાની ખેતી કરનાર આરોપી પોલીસની પકડમાં આવ્યો ન હતો. અંજારના દેવળિયા નાકા જાગરિયા ફળિયામાં રહેનાર મહમદ હાજી મહમદ હુસેન સૈયદ નામનો શખ્સ સિનુગ્રાના આંબેડકર નગર તળાવની બાજુમાં પોતાના કબજાના મકાનમાં ગાંજાની ખેતી કરતો હોવાની પૂર્વ બાતમી એસ.ઓ.જી.ને મળી હતી.બાતમીના આધારે પોલીસ ત્યાં પહોંચી હતી.

અહીં આવેલા આ મકાનમાં મહમદ હાજી સૈયદ નામનો શખ્સ હાજર મળ્યો ન હતો, પરંતુ તરનતારન પંજાબથી અહીં આવેલ રાજીન્દર કૌર સતનામસિંઘ સરદારસિંઘ નામના મહિલા મળી આવ્યાં હતાં. આ મહિલાને સાથે રાખી પોલીસે ઘરની ઝડતી તપાસ હાથ ધરી હતી. ઘરમાં રસોડા બાદના ફળિયામાં ઝાડ વાવેલાં જણાયાં હતાં જેની ગણતરી કરાતાં 38 જેટલા તથા પાંચેક ફૂટની ઊંચાઇ અને લીલા અણીદાર પાંદડાવાળા અનિયમિત આકારના નાના-મોટા જણાયાં હતાં. હાજર મહિલાએ આ ઝાડ ગાંજાનાં હોવાનું તથા તેની ખેતી મહમદ હાજી કરતો હોવાનું જણાવાયું હતું. મકાનમાં રહેલ પેટી પલંગની તપાસ કરાતાં તેમાંથી પ્લાસ્ટિકની કોથળીમાંથી 551 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેનું વેચાણ પણ આ શખ્સ કરતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે એફ.એસ.એલ. અધિકારીને બોલાવી પ્રાથમિક પૃથ્થકરણ કરાતાં આ ઝાડ, પાંદડામાં કેનાબિસના સક્રિય ઘટકોની હાજરી હોવાનું અને તે ગાંજાના હોવાનું બહાર આવ્યું હતું.

અહીંથી પોલીસે 16 કિલો અને 251 ગ્રામ ગાંજો તથા એક વજનકાંટો, આધારકાર્ડ મળીને કુલ રૂૂા. 1,63,510નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. છેક પંજાબના તરનતારનથી આ મહિલા અહીં 10-15 દિવસ પહેલાં જ આવી હતી. અમદાવાદના કોઇ શખ્સની ઓળખાણ થકી તે અહીં સુધી આવી પહોંચી હતી. ગાંજાની ખેતીની કોઇને ખબર ન પડે તે માટે તેના ઉપર નેટ (જાળી) બિછાવી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું હતું. હાથમાં ન આવેલા શખ્સને પકડી પાડવા તથા તેમાં મહિલાનો શું ભાગ છે, તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે હાથ?ધરી છે. આ કાર્યવાહીમાં એસ.ઓ.જી. પી.આઇ. ડી. ડી. ઝાલા અને તેમની ટીમ જોડાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *