અનિલ અંબાણીનો અદાણી ગ્રુપની માલિકીની એનડીટીવી સામે બે કરોડનો બદનક્ષીનો દાવો

ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ અદાણી ગ્રુપની માલિકીના ન્યૂઝ ચેનલ એનડીટીવી વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં બદનક્ષીનો દાવો દાખલ કર્યો છે. અંબાણીએ આક્ષેપ કર્યો છે કે અદાણી ગ્રુપ તેમની…

ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ અદાણી ગ્રુપની માલિકીના ન્યૂઝ ચેનલ એનડીટીવી વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં બદનક્ષીનો દાવો દાખલ કર્યો છે. અંબાણીએ આક્ષેપ કર્યો છે કે અદાણી ગ્રુપ તેમની કંપનીઓને હસ્તગત કરવા માંગે છે અને તે માટે એનડીટીવી દ્વારા તેમની વિરુદ્ધ વ્યવસ્થિત રીતે અપપ્રચાર કરવામાં આવી રહ્યો છે. જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે આ મામલે એનડીટીવી, તેના સીઈઓ રાહુલ કંવલ અને અદાણીની માલિકીની અન્ય સંસ્થાઓને નોટિસ પાઠવીને જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.

અનિલ અંબાણીના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે એનડીટીવીના બહુમતી શેરધારક અદાણી ગ્રુપ છે, જે અનિલ અંબાણીની કંપનીઓને ટેકઓવર કરવામાં રસ ધરાવે છે. આ હેતુ સિદ્ધ કરવા માટે છેલ્લા કેટલાક મહિનામાં એનડીટીવી દ્વારા અંબાણી વિરુદ્ધ 72 જેટલા ટાર્ગેટેડ લેખો પ્રકાશિત કરવામાં આવ્યા છે. અંબાણીએ દાવો કર્યો છે કે સીબીઆઈ અને ઈડી દ્વારા રિલાયન્સની કંપનીઓ સામે તપાસ ચાલી રહી છે, પરંતુ એનડીટીવી જાણીજોઈને દરેક અહેવાલમાં અનિલ અંબાણીનું નામ જોડીને તેમની વ્યક્તિગત પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી રહ્યું છે જેથી બજારમાં ગભરાટ ફેલાય.

અનિલ અંબાણીએ આ બદનક્ષી બદલ 2 કરોડ રૂૂપિયાના વળતરની માંગ કરી છે, જે રકમ તેઓ ચેરિટીમાં દાન આપશે. તેમણે કોર્ટને જણાવ્યું કે રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવી કંપનીઓ પ્રત્યે જાહેર ધારણા બગાડવા અને માર્કેટ સેન્ટિમેન્ટ સાથે ચેડાં કરવા માટે આ ‘સ્મીયર કેમ્પેઈન’ ચલાવવામાં આવી રહ્યું છે.
વકીલ શ્રી વેંકટેશે દલીલ કરી હતી કે જ્યારે કંપનીના કોઈ કર્મચારીની ધરપકડ થાય ત્યારે હેડલાઈનમાં અનિલ અંબાણીનું નામ લખવામાં આવે છે, જે તદ્દન ભ્રામક છે.

હાઈકોર્ટે નોંધ્યું હતું કે આ કેસ અભિવ્યક્તિની સ્વતંત્રતા (કલમ 19) સાથે જોડાયેલો છે, તેથી વચગાળાના મનાઈહુકમ આપતા પહેલા પ્રતિવાદીઓનો પક્ષ સાંભળવો જરૂૂરી છે. કોર્ટે એએમજી મીડિયા નેટવર્ક્સ લિમિટેડ, આઈએએનએસ અને એનડીટીવીના અન્ય સંપાદકોને પણ પક્ષકાર તરીકે નોટિસ આપી છે. અંબાણીએ એ વાત પર પણ વાંધો ઉઠાવ્યો હતો કે તેમને દેશ છોડતા રોકવામાં આવ્યા હોવાના ખોટા અહેવાલો પણ પ્રસિદ્ધ કરાયા હતા. આ હાઈ-પ્રોફાઈલ કેસની આગામી સુનાવણી 19 જુલાઈના રોજ નિયત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *