સૌરાષ્ટ્રના બે મોટા તીર્થધામ સોમનાથ અને દ્વારકાને અમદાવાદ તેમજ દેશની રાજધાની સાથે જોડતો 680 કિલોમીટરનો સોમનાથ-દ્વારકા એક્સપ્રેસવે ગુજરાતની સડક પરિયોજનાઓમાં નવો સીમાચિહ્ન બનવા જઈ રહ્યો છે. આ મેગા પ્રોજેક્ટ પૂરો થયા બાદ સોમનાથથી દિલ્હીનો પ્રવાસ, જે હાલ 22થી 24 કલાકનો છે, લગભગ 14થી 16 કલાકમાં પૂરો થઈ શકે તેવી અપેક્ષા છે. અંદાજિત ખર્ચ રૂૂ. 57,120 કરોડ છે અને બાંધકામનું લક્ષ્ય 36 મહિનાનું રાખવામાં આવ્યું છે.
આ એક્સપ્રેસવે એકલા ગુજરાતમાં બનશે, પણ અન્ય હાઇવે સાથે જોડાઈને રાજ્યને છ મોટા વિસ્તારો સાથે જોડશે. આમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને દિલ્હીનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ કામ ઝડપથી શરૂૂ થવાની તૈયારી છે. ગુજરાત સરકારે પ્રોજેક્ટને પહેલેથી લીલી ઝંડી આપી દીધી છે અને પર્યાવરણ સલાહકારોનો અભિપ્રાય પણ મળી ચૂક્યો છે.
સોમનાથ-દ્વારકા એક્સપ્રેસવેનો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) ઓક્ટોબર 2026માં તૈયાર થવાની અપેક્ષા છે. હાલ ડીપીઆરને અંતિમ રૂૂપ આપવાનું કામ ચાલી રહ્યું છે. જો 2027 સુધીમાં કામ શરૂૂ થાય તો 2030 સુધીમાં એક્સપ્રેસવે ખુલ્લો થઈ શકે તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીએસઆરડીસી) દ્વારા બનાવવામાં આવશે.એક્સપ્રેસવે અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જેતપુર, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકા થઈને સોમનાથ સુધી જશે. પ્રથમ તબક્કામાં અમદાવાદથી રાજકોટ વચ્ચે 170 કિલોમીટર, ત્યારબાદ રાજકોટથી પોરબંદર વચ્ચે 190 કિલોમીટર અને જેતપુરથી સોમનાથ વચ્ચે 110 કિલોમીટરનો હિસ્સો તૈયાર થશે. આનાથી અમદાવાદ, રાજકોટ અને પોરબંદર જેવા મોટા શહેરો વચ્ચેનું અંતર અને સમય નોંધપાત્ર ઘટશે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લા આ કોરિડોર સાથે જોડાશે.
દર 50 કિલોમીટરે મુસાફરો માટે ઇંધણ સ્ટેશન, ઇવી ચાર્જિંગ પોઇન્ટ, ફૂડ કોર્ટ, વિશ્રામગૃહ અને કટોકટીની સુવિધા મૂકવાની યોજના છે. એટલે આ માત્ર ઝડપી માર્ગ નહીં, પૂરી સુવિધાવાળો હાઇવે બનશે. હાલ સોમનાથથી દિલ્હીનું અંતર આશરે 1,420 કિલોમીટર છે અને મુસાફરીમાં 22થી 24 કલાક લાગે છે. નવા એક્સપ્રેસવે બાદ આ અંતર લગભગ 1,200 કિલોમીટરની આસપાસ થવાની અને સમય 14થી 16 કલાકે આવી જવાની વાત છે.
