83 વર્ષની ઉંમરે પણ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનું કામ પ્રત્યેનું સમર્પણ અને ઊર્જા અદભુત છે, જે આજની યુવા પેઢી માટે એક મોટો પ્રેરણાસ્રોત છે. તાજેતરમાં તેમણે તેમના સુપરહિટ ક્વિઝ શો ’કૌન બનેગા કરોડપતિ’ (KBC) ની આગામી નવી સીઝન માટે સતત 24 કલાકની થકવી નાખતી શિફ્ટમાં શૂટિંગ પૂરું કરીને સૌને ચોંકાવી દીધા છે.
બિગ બીએ પોતે પોતાના બ્લોગ મારફતે ફેન્સ સાથે આ વાત શેર કરી હતી. તેમણે ખુલાસો કર્યો કે તેમણે સવારે 7 વાગ્યે સેટ પર પહોંચીને શૂટિંગ શરૂૂ કર્યું હતું અને વચ્ચે કોઈ પણ મોટો બ્રેક લીધા વિના બીજા દિવસે સવારે 7 વાગ્યે કામ પૂર્ણ કર્યું હતું. પોતાના વ્યસ્ત શિડ્યુલ વિશે વાત કરતાં અમિતાભ બચ્ચને લખ્યું કે, “આજે સવારે 7 વાગ્યે કામ પૂર્ણ થયું, જે ગઈકાલે સવારે 7 વાગ્યે શરૂૂ થયું હતું. પરંતુ નિયત સમયમાં શૂટિંગ પૂરું કરવું અત્યંત જરૂૂરી હતું, તેથી મેં બિન-વધારે કામ ચાલુ રાખવાનો નિર્ણય લીધો.”
અમિતાભ બચ્ચને આગળ જણાવ્યું કે શોની પ્રીમિયર તારીખ પહેલાથી જ નક્કી થઈ ગઈ હોવાથી શિડ્યુલમાં કોઈ પણ પ્રકારનો વિલંબ શક્ય નહોતો. તેમણે પોતાની ખાસ અંદાજમાં રમૂજ કરતાં ઉમેર્યું હતું કે, જો તેમણે શૂટિંગ મુલતવી રાખ્યું હોત અથવા છોડી દીધું હોત, તો કદાચ તેમને હોસ્ટ તરીકેની નોકરી ગુમાવવી પડી હોત! તેમની આ સાદગી અને પ્રતિબદ્ધતા ચાહકોના દિલ જીતી રહી છે.
’કૌન બનેગા કરોડપતિ’ ની 18મી સીઝન સોની ટીવી પર 10 ઓગસ્ટથી દરરોજ રાત્રે 9 વાગ્યે પ્રસારિત થવા જઈ રહી છે. આ નવી સીઝન એક નવા કોન્સેપ્ટ અને ટેગલાઈન ’સોચના પડેગા’ સાથે આવી રહી છે.
