ગાંધીનગર ‘ટાઇફોઇડ’ના ડેન્જર ઝોનમાં અમિત શાહનું મોનિટરિંગ

20મી સુધીમાં કેસનો આંકડો 350ને પાર થવાની દહેશતથી તંત્ર દોડ્યું, હર્ષ સંઘવી સતત સંપર્કમાં ગાંધીનગરમાં ઈન્દોરવાળી થતા બે દિવસમાં જ 119 જેટલા ટાઈફોઈડના કેસ સામે…

20મી સુધીમાં કેસનો આંકડો 350ને પાર થવાની દહેશતથી તંત્ર દોડ્યું, હર્ષ સંઘવી સતત સંપર્કમાં

ગાંધીનગરમાં ઈન્દોરવાળી થતા બે દિવસમાં જ 119 જેટલા ટાઈફોઈડના કેસ સામે આવતા તંત્રમાં દોડધામ મચી છે. 19 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા હાલ 94 દર્દીઓ સારવાર હેઠળ છે. જો કે, ટાઈફોઈડના ઈન્ક્યુબેશન પિરિયડને જોતા આગામી 20મી જાન્યુઆરી સુધીમાં કેસનો આંક 350ને પાર થવાની દહેશત સેવાઈ રહી છે.
ગાંધીનગરના સેક્ટર-24, 26, 28 અને આદિવાડા વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ગટરનું ઝેર ભળતા ફાટી નીકળેલા ટાઈફોઈડના રોગચાળાએ અત્યંત ગંભીર સ્વરૂૂપ ધારણ કર્યું છે, જેમાં 104 બાળકો સહિત અત્યાર સુધી 119થી વધુ દર્દીઓ નોંધાતા શહેર ‘ડેન્જર ઝોન’માં ફેરવાયું છે. પરિસ્થિતિની ગંભીરતાને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીથી પળેપળનું મોનિટરિંગ કરી રહ્યા છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં 22 નિષ્ણાંત તબીબોની વિશેષ ટીમ તહેનાત કરવામાં આવી છે. તબીબોના અનુમાન મુજબ 20 જાન્યુઆરી સુધીમાં કેસનો આંકડો 350ને પાર કરી જવાની દહેશત છે.

હાલમાં તો શહેરના ચાર મુખ્ય વિસ્તારોમાં દૂષિત પાણીને કારણે હાહાકાર મચતા રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. ગઈકાલે હર્ષ સંઘવીએ સિવિલમાં દર્દીઓની મુલાકાત લીધા બાદ વહીવટી તંત્રને ખખડાવ્યું હતું. દર્દીઓને યોગ્ય સારવાર મળે તે માટે નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીને સિવિલના વિશેષ સુપરવિઝનની જવાબદારી સોંપાઈ છે. આરોગ્ય વિભાગ અને કોર્પોરેશનની તાકીદની બેઠકમાં ટાઈફોઈડને રોકવા માટે યુદ્ધના ધોરણે પગલાં લેવા આદેશ અપાયા છે.

સૌથી વધુ અસર આદિવાડા અને સેક્ટર-28 ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં જોવા મળી રહી છે. ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની લાંબી કતારો છે. સિવિલમાં પણ બેડ ખૂટી પડતા નવો વોર્ડ શરૂૂ કરવાની નોબત આવી છે. તબીબોની 22 સભ્યોની ટીમ સતત ગંભીર દર્દીઓનું નિરીક્ષણ કરી રહી છે. નવા સચિવાલય ખાતે આરોગ્ય સચિવે તંત્રની કામગીરીના રિપોર્ટ કાર્ડની સમીક્ષા કરાઈ હતી. નગરજનોએ પાણી ગાળીને અને ઉકાળીને પીવા માટે તંત્ર ધ્વારા અપીલ કરાઈ છે.

શહેરમાં 24 કલાક પાણી પુરવઠાના પ્રોજેક્ટમાં શરૂૂઆતથી જ નબળી કામગીરીની ફરિયાદો ઉઠી હતી. જાગૃત નગરસેવકોએ જ્યારે અધિકારીઓનું ધ્યાન દોર્યું, ત્યારે પ્રજાના હિતને બદલે કોન્ટ્રાક્ટર એજન્સીઓની તરફદારી કરવામાં આવી હતી. અધિકારીઓની આ માનસિકતાને કારણે આજે ગાંધીનગર માંદગીના બિછાને છે. આશ્ચર્યની વાત એ છે કે, નગરસેવકોની રજૂઆતને સાંભળવાને બદલે તેમને ‘ચૂપ’ રહેવાની સલાહ આપવામાં આવતી હોવાથી અંદરખાને ભારે રોષ વ્યાપી ગયો છે.

સ્થાનિકોએ ફાળો ઉઘરાવી પાઈપલાઈન રિપેર કરાવી
ચોવીસ કલાક પાણી વિતરણની ટ્રાયલ દરમિયાન પણ અનેક સ્થળે લીકેજની સમસ્યા જોવા મળી હતી, જેના કારણે સ્થાનિક નગરજનોએ નગરસેવકો સમક્ષ આકરી રજૂઆતો કરી હતી. નગરજનોની રજૂઆતના આધારે કામગીરી હાથ ધરવા સંબંધિત અધિકારીઓ સાથે નગરસેવકોએ ચર્ચા કરી હતી, પરંતુ માત્ર સંગઠનનો જ આદેશ માનવા ટેવાયેલા અધિકારીઓએ તેમની વાત કાને ધરી ન હતી. નગરસેવકોની લાચારીનો પુરાવો એ ઘટના છે જેમાં મહાત્મા મંદિર જેવા વીઆઈપી વિસ્તાર નજીક વસાહતના રહીશોએ તંત્રની આશા છોડી દીધી હતી. લીકેજને કારણે ગંદકી અને રોગચાળો વધતા સ્થાનિકોએ ઘરદીઠ ફાળો ઉઘરાવી 30,000 રૂૂપિયાના ખર્ચે ખાનગી મજૂરો બોલાવી પાઈપલાઈન રિપેર કરાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *