સરકાર દ્વારા વહેલી તકે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો મેડિકલ વેપારીઓની ઉગ્ર આંદોલનની ચિમકી: દર્દીઓને હાલાકી ન પડે માટે અમુક સ્ટોર્સો ખુલ્લા રખાયા
ઓનલાઇન દવાના વેચાણ કોર્પોરેટ કંપનીની ડિસ્કાઉન્ટ નીતિ અને બજારમાં નકલી દવાઓનો દુષણ વિરૂધ્ધ બુધવારે સૌરાષ્ટ્રભરમાં રાષ્ટ્ર વ્યાપી કેમિસ્ટ હડતાલને વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગનાં મેડીકલ સ્ટોર્સ આખો દિવસ બંધ રહ્યા હતા. ઠેર ઠેર મેડીકલ સંચાલકો એકઠા થઇને સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને વેપારીઓએ ચેતવણી આપી હતી કે જો સરકાર દ્વારા વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસો વધુ ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. હાલાકી દરમિયાન નાગરિકોને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે અમુહ મેડીકલ સ્ટોર્સ ખુલ્લા રખાયા હતા.
માણાવદર
ઓનલાઇન પ્લેટફોર્મ પર થતા દવાઓના વેચાણ અને ગેરકાયદેસર નકલી દવાઓના કારોબાર સામે સમગ્ર દેશમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. જેના ભાગરૂૂપે દેશભરના કેમેસ્ટ્સ અને ફાર્માસિસ્ટ્સ દ્વારા એક દિવસીય હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રવ્યાપી આંદોલનને ટેકો આપવા માણાવદર મેડિકલ એસોસિએશન પણ જોડાયું હતું. આજે સવારથી જ માણાવદર શહેરના તમામ મેડિકલ સ્ટોર્સ સંપૂર્ણપણે બંધ રહ્યા હતા. સ્થાનિક વેપારીઓએ ઓનલાઇન ફાર્મસી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
વેરાવળ
રાષ્ટ્રવ્યાપી આંદોલનના ભાગરૂૂપે યોજાયેલ આકાર્યક્રમમાં વેરાવળ શહેરના દવા વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. વેપારીઓના જણાવ્યા અનુસાર, ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા થતા દવાઓ વેચાણ ના કારણે નાના અને મધ્યમ કક્ષાના કેમિસ્ટનું વ્યવસાય પર માઠી અસર પડી રહી છે. આ ઉપરાંત ઓનલાઈન વેચાણ માં સરકારી નિયમોનું ચુસ્ત પાલન થતું ન હોવાથી ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. માતૃ સંસ્થા ’ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ’ (અઈંઘઈઉ) ના માર્ગદર્શન હેઠળ દેશવ્યાપી એક દિવસીય બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેમાં વેરાવળ એસોસિએશનના તમામ સભ્યો સંપૂર્ણપણે જોડાયા હતા. કોર્પોરેટ કંપની ભારે ડિસ્કાઉન્ટ નીતિના કારણે પરંપરાગત મેડિકલ વ્યવસાય ગંભીર સંકટમાં મુકાયો છે અને નાના વેપારીઓ માટે બજારમાં ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. આ કેમિસ્ટ્રી ની મુખ્ય 3 માંગણીઓ આંદોલનકારીઓએ સરકાર સમક્ષ મુખ્ય ત્રણ માંગણી રજૂ કરી હતી જેમાં ઓનલાઈન દવાના વેચાણ પર કડક નિયંત્રણ લાદવું, કોર્પોરેટ કંપનીની ડિસ્કાઉન્ટિંગ નીતિ પર રોક લગાવી, નકલ તથા ભેળસેળયુક્ત દવાઓનું વેચાણ કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવી. દર્દીઓની સુવિધાઓ માટે પાંચ સ્ટોર્સ ચાલુ રખાયા હતા.
હડતાળ દરમિયાન સ્થાનિક દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે તે માટે માનવતાવાદી અભિગમ અપનાવી શહેરમાં 5 મેડિકલ સ્ટોર્સ અને જરૂૂરી સેવા તરીકે ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. તેને કારણે તાત્કાલિક દવાની જરૂૂરિયાત વાળા દર્દીઓને મોટી રાહત મળી હતી. અગ્રણીઓની ઉપસ્થિતિમાં ટાવર ચોક ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં એસોસિએશનના મોટી સંખ્યામાં હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વેપારીઓએ હાથમાં પ્લેકાર્ડ અને બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને પોતાની માંગણીઓ તાત્કાલિક સંતોષવા આગ્રહ કર્યો હતો.
સાવરકુંડલા
સાવરકુંડલા તાલુકાના તમામ મેડિકલ સ્ટોર્સ આજે બંધ જોવા મળ્યા હતા. આ બંધનું આયોજન સાવરકુંડલા કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશન દ્વારા કરવામાં આવ્યું છે. ઓનલાઈન ફાર્મસી પ્લેટફોર્મ્સ દ્વારા ડુપ્લીકેટ, અનધિકૃત અને નકલી દવાઓના વેચાણને કારણે દર્દીઓના જીવન સાથે ચાલતા જોખમ અને સ્થાનિક કેમિસ્ટોના વ્યવસાયને થતા નુકસાનના વિરોધમાં આ આંદોલન કરવામાં આવ્યું છે. આ દેશવ્યાપી આંદોલનના ભાગરૂૂપે સાવરકુંડલામાં આજે તમામ મેડિકલ સ્ટોર્સ બંધ રાખવામાં આવ્યા હતા.
મોરબી
ઓનલાઈન દવાઓના વેચાણ તેમજ નિયમોના ભેદભાવ મામલે મોરબીમાં પણ મેડીકલ સ્ટોર સંચાલકોએ બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો મોરબી શહેરના 150 જેટલા મેડીકલ સ્ટોર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો મેડીકલ સ્ટોર સંચાલકોએ જણાવ્યું હતું કે ઓનલાઈન દવાઓનું વેચાણ થાય છે જેમાં પ્રિસ્ક્રીપ્શન વિના નશાકારક દવાઓનું વેચાણ થઇ રહ્યું છે તેમજ મેડીકલ સ્ટોરને કાયદા લાગુ પડે છે તે ઓનલાઈનને લાગુ નથી પડતા જેના વિરોધમાં આજે બંધ પાળ્યું હતું.
ફલ્લા
જામનગર કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસો. દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શનના અનુસંધાને ફલ્લા ગામના દવાના વેપારીઓ દ્વારા બંધ પાડવામાં આવ્યો હતો. ફલ્લાના સમય મેડીકલ, જય મેડીકલ તથા બાલાજી મેડીકલ એસો.ને ટેકો આપીને પોતાના મેડીકલો બંધ રાખ્યા હતા.
ધોરાજી
ધોરાજી શહેરમાં આજે તમામ મેડિકલ સ્ટોર્સ એસોસિયેશન દ્વારા ઓનલાઇન દવાઓના વેચાણ અને મોટી કંપનીઓ દ્વારા આપવામાં આવતા જંગી ડિસ્કાઉન્ટના વિરોધમાં હડતાળ પાળવામાં આવી હતી. શહેરના મોટાભાગના મેડિકલ સ્ટોર્સ દિવસભર બંધ રાખવામાં આવતા સામાન્ય નાગરિકોને દવાઓ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાલાકી દરમિયાન નાગરિકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે શહેરમાં બે મેડિકલ સ્ટોર્સ ઈમરજન્સી સેવા માટે ખુલ્લા રાખવામાં આવ્યા હતા. ઉપરાંત હોસ્પિટલ સાથે જોડાયેલા મેડિકલ સ્ટોર્સને પણ ઈમરજન્સી પરિસ્થિતિમાં દવાઓ આપવાની છૂટ આપવામાં આવી હતી.
