ભારત સરકારે આજે દેશની પ્રથમ સત્તાવાર કાઉન્ટર-ટેરરિઝમ પોલિસી જાહેર કરી છે. ‘પ્રહાર’ નામની આ નીતિમાં આતંકવાદ વિરુદ્ધના ભારતના જવાબને વધુ સ્પષ્ટ, પ્રમાણસર અને આક્રમક બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ પોલિસીમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ભારત પર કોઈપણ આતંકી હુમલો થશે તો તેનો જવાબ પ્રમાણસર (એટલે કે જેવા સાથે તેવા પ્રકારનો) અને નિર્ણાયક રહેશે. આતંક વાદીઓના આશ્રયદાતા દેશો અને સંગઠનોને પણ લક્ષ્ય બનાવવામાં આવશે.
ગૃહ મંત્રાલય અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની ઓફિસ દ્વારા તૈયાર કરાયેલી આ પોલિસી આતંકવાદ વિરુદ્ધના ભારતના અભિગમને ચાર મુખ્ય સ્તંભો પર આધારિત બનાવે છે. પ્રથમ સ્તંભમાં હુમલાની તીવ્રતા અનુસાર તાત્કાલિક અને યોગ્ય જવાબ આપવાની વાત છે.
બીજા સ્તંભમાં આતંકવાદીઓ અને તેમના આશ્રયદાતાઓ પર સીધી કાર્યવાહીની છૂટ આપવામાં આવી છે, જેમાં ભારતીય સેના અને એજન્સીઓને આતંકી કેમ્પો અને તેમના સ્પોન્સર્સ પર હુમલા કરવાની સ્પષ્ટ પરવાનગી છે. ત્રીજા સ્તંભમાં આંતરરાષ્ટ્રીય સહયોગ અને કૂટનીતિનો ઉલ્લેખ છે, જેમાં FATF, UNSCઅને દ્વિપક્ષીય કરારો દ્વારા આતંકવાદીઓને દબાણમાં રાખવાનું આયોજન છે. ચોથા સ્તંભમાં આંતરિક સુરક્ષા અને ઈન્ટેલિજન્સ શેરિંગને મજબૂત બનાવવાની વાત છે, જેમાં NIA, IB, RAW અને રાજ્ય પોલીસ વચ્ચે રીઅલ-ટાઈમ કો-ઓર્ડિનેશનની વ્યવસ્થા કરવામાં આવશે.
આ પોલિસીનો પાયો 2016ના ઉરી હુમલા, 2019ના પુલવામા હુમલા અને 2025માં જમ્મુ-કાશ્મીરમાં થયેલા તાજેતરના હુમલાઓ પછી તૈયાર કરવામાં આવ્યો છે. બાલાકોટ એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈકને આ નીતિના સફળ પ્રયોગો તરીકે ગણવામાં આવ્યા છે.
ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે આ પોલિસી ભારતને આતંકવાદ વિરુદ્ધના યુદ્ધમાં વધુ મજબૂત અને સ્પષ્ટ બનાવશે અને હવે કોઈ હુમલો અનુત્તરિત રહેશે નહીં. આ પોલિસીના અમલ માટે ગઈંઅ, ગજૠ, છઅઠ અને ત્રણેય સેનાઓ વચ્ચે કો-ઓર્ડિનેશન વધારવામાં આવશે. રાજ્ય સરકારોને પણ આતંકવાદ વિરુદ્ધની તાલીમ અને ઈન્ટેલિજન્સ શેરિંગમાં વધુ સક્રિય બનવાનું કહેવામાં આવ્યું છે. આ પહેલી વખતની સત્તાવાર કાઉન્ટર-ટેરરિઝમ પોલિસી ભારતને આતંકવાદ વિરુદ્ધના યુદ્ધમાં નવી દિશા આપશે અને દેશને વધુ આક્રમક તેમજ નિર્ણાયક બનાવશે.
