સરકાર તહેવારો અને રજાઓ દરમિયાન વિમાનની ટિકિટના ભાવમાં થતા અતિશય વધારાને રોકવા માટે પગલાં લેવા જઈ રહી છે. આ ભાવવધારાના સંદર્ભમાં, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે આવા વધારાને નિયંત્રિત કરવા માટેના નિયમો તૈયાર કરી લેવામાં આવ્યા છે અને તેને વહીવટી મંજૂરી પણ મળી ગઈ છે. સરકારના જણાવ્યા અનુસાર, આગામી બે અઠવાડિયામાં આ નિયમો જાહેર કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે સરકારને નિર્દેશ આપ્યો છે કે 16 નવેમ્બરે યોજાનારી આગામી સુનાવણી પહેલાં આ નિયમો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. સુનાવણી દરમિયાન, કોર્ટે ટિપ્પણી કરી હતી કે વિમાન ભાડામાં થયેલા આટલા મોટા વધારાની અસર કોર્ટને પણ થઈ છે.
વિમાન ભાડામાં અચાનક અને મોટા પ્રમાણમાં થયેલા વધારા સામે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી (ઙઈંક) દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં ટિકિટના ભાવમાં મનસ્વી રીતે થતા ફેરફારોને રોકવા માટે બંધનકર્તા નિયમો બનાવવાની માંગ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2026માં થયેલી સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે તહેવારો અને રજાઓ દરમિયાન ભાડામાં થયેલા તીવ્ર વધારાને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો હતો અને કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો હતો. ત્યારબાદ, જુલાઈમાં કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું હતું કે ભાડાં પર નિયંત્રણ રાખવા માટેનું નિયમનકારી માળખું તૈયાર છે અને તેને સંસદ સમક્ષ રજૂ કરવાની રાહ જોવાઈ રહી છે. કોર્ટે સરકારને આ નિયમો એક સીલબંધ પરબીડિયામાં રજૂ કરવા પણ કહ્યું હતું. હાલમાં, એરલાઇન્સ પાસે સામાન્ય રીતે પોતાના ભાડાં નક્કી કરવાની સ્વતંત્રતા હોય છે. સપ્ટેમ્બર 2026માં, સરકારે સ્પષ્ટ કર્યું હતું કે આગામી તહેવારોની મોસમમાં વિમાન ભાડાં પર કોઈ મર્યાદા (કેપ) લાદવાની યોજના નથી. તેના બદલે, એરલાઇન્સને સલાહ આપવામાં આવશે કે તેઓ ભાવ વ્યાજબી રાખે.
અગાઉના વર્ષોના અહેવાલો સૂચવે છે કે દિવાળી, છઠ અને હોળી જેવા તહેવારો દરમિયાન હવાઈ ભાડાંમાંખાસ કરીને બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશના રૂૂટ પરઘણો મોટો ઉછાળો જોવા મળે છે. તહેવારોના આ સમયગાળામાં, 7 નવેમ્બર, 2026ના રોજ મુંબઈથી પટનાની મુસાફરી માટેની ટિકિટનો ભાવ ₹25,643 સુધી પહોંચી ગયો હતો, જ્યારે બેંગલુરુથી પટનાની ટિકિટનો ભાવ ₹26,053 રહ્યો હતો. આ ઉપરાંત, બેંગલુરુ-વારાણસી અને મુંબઈ-વારાણસી રૂૂટ પરના ભાડાં અનુક્રમે ₹17,698 અને ₹15,926 નોંધાયા હતા. સામાન્ય દિવસોની સરખામણીમાં આ ભાડાં ઘણાં ઊંચાં છે.
