કેમ્પબેલ વિલ્સનના વિકલ્પની ટાટા ગ્રુપ દ્વારા શોધખોળ શરૂ
ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સને રાજીનામું આપી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમનું રાજીનામું ગયા અઠવાડિયે બોર્ડ મીટિંગમાં સ્વીકારવામાં આવ્યું હતું. વિલ્સન સક્સેસર મળે ત્યાં સુધી અથવા સપ્ટેમ્બર સુધી કંપનીમાં રહીને સરળ સંક્રમણની પ્રક્રિયામાં મદદ કરશે.
ન્યુઝીલેન્ડમાં જન્મેલા કેમ્પબેલ વિલ્સને જુલાઈ 2022માં એર ઇન્ડિયાના સીઈઓ તરીકે જોડાયા હતા. તેમની પાસે સિંગાપુર એરલાઈન્સમાં 26 વર્ષનો અનુભવ હતો, જ્યાં તેઓ મુખ્ય કેરિયર અને તેની લો-કોસ્ટ સબસિડિયરી સ્કૂટમાં વરિષ્ઠ પદો પર હતા. તેમના કાર્યકાળ દરમિયાન એર ઇન્ડિયાએ વિસ્તારાના એકીકરણ જેવું જટિલ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું, જેમાં કોઈ વિક્ષેપ પડ્યો નહોતો. કંપનીએ ફ્લીટ વિસ્તારણની મહત્વાકાંક્ષી યોજના પણ અપનાવી હતી અને અનેક હાઈ-ટ્રાફિક મેટ્રો રૂૂટ્સ પર માર્કેટ લીડર ઇન્ડિગોને પાછળ છોડી દીધી હતી.
એર ઇન્ડિયા હાલમાં લાગાતાર નુકસાનનો સામનો કરી રહી છે. ગયા વર્ષે થયેલા એક મોટા વિમાન અકસ્માતમાં 260 લોકોના મોત થયા હતા, જેના પછી નિયમનકારી સંસ્થાઓની તપાસ વધી ગઈ છે. વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વિક્ષેપને કારણે નવા વિમાનોની ડિલિવરી અને જૂના વિમાનોના રિફર્બિશમેન્ટમાં વિલંબ થયો છે, જેનાથી કંપનીના ટ્રાન્સફોર્મેશનની ગતિ ધીમી પડી ગઈ છે. સર્વિસ ક્વોલિટી અને પંક્ચ્યુઆલિટી પર પણ દબાણ વધ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાનના બેન અને પશ્ચિમ એશિયાના સંકટને કારણે ઇંધણના ખર્ચમાં વધારો થયો છે, જેનાથી આ વર્ષે રેકોર્ડ નુકસાનની શક્યતા છે.
ટાટા ગ્રુપ હાલમાં નવા સીઈઓની શોધમાં છે. વિલ્સનનો કોન્ટ્રાક્ટ જુલાઈ 2027 સુધીનો હતો, પરંતુ તેઓ વહેલા જવાનું નક્કી કર્યું છે. એર ઇન્ડિયા અને ટાટા ગ્રુપ તરફથી અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ રાજીનામું એર ઇન્ડિયા માટે એક મહત્વપૂર્ણ સંક્રમણકાળ બની રહ્યો છે. કંપનીએ હજુ પણ ઘણા પડકારોનો સામનો કરવાનો છે અને નવા લીડરશીપથી ટર્નઅરાઉન્ડ પ્રક્રિયાને નવી ગતિ મળી શકે છે.
