હાઇકોર્ટની ચાબૂક બાદ જ્ઞાન લાદ્યું, એજ્યુ. ટ્રિબ્યુનલ સવારે 11થી સાંજે પ સુધી ચાલુ રહેશે

ગુજરાત એજ્યુકેશન સર્વિસ ટ્રિબ્યુનલમાં શિક્ષણ વિભાગના કર્મચારીઓના અનેક કેસો લાંબા સમય સુધી અટવાયેલા રહેતા હોવાની ચોંકાવનારી હકીકત હાઇકોર્ટ સમક્ષ આવ્યા બાદ શિક્ષણ વિભાગના સચિવને સમગ્ર…

ગુજરાત એજ્યુકેશન સર્વિસ ટ્રિબ્યુનલમાં શિક્ષણ વિભાગના કર્મચારીઓના અનેક કેસો લાંબા સમય સુધી અટવાયેલા રહેતા હોવાની ચોંકાવનારી હકીકત હાઇકોર્ટ સમક્ષ આવ્યા બાદ શિક્ષણ વિભાગના સચિવને સમગ્ર મામલે સ્પષ્ટતા કરતો રિપોર્ટ રજૂ કરવાનો હુકમ થયો હતો. જે મુજબ શિક્ષણ વિભાગે રિપોર્ટ રજૂ કરીને જણાવ્યું હતું કે, ટ્રિબ્યુનલના વર્કિંગ અવર્સ સવારે 11થી 1:45 વાગ્યા સુધી અને ત્યારબાદ 1:45 થી 2:30 વાગ્યા સુધીના લંચ બ્રેક બાદ ફરીથી 2:30થી સાંજના 5 વાગ્યા સુધી રહે છે.

જસ્ટિસ એ.એસ. સુપૈયા અને જસ્ટિસ ગીતાબહેન ગોપીની ખંડપીઠે રિપોર્ટને રેકોર્ડ પર લીધો છે અને મુખ્ય સરકારી વકીલ જી.એચ. વિર્કની ખાતરીને પણ આદેશમાં નોંધી છે કે ઉક્ત સમય મુજબ ટ્રિબ્યુનલ ચુસ્તપણે ન્યાયિક કાર્યવાહી કરશે. એટલું જ નહીં, આ મામલે હાઇકોર્ટના આકરા વલણના પગલે ઓથોરિટીએ રજૂ કરેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે જ્યાં સુધી ટ્રિબ્યુનલમાં CCTV અને વર્ચ્યુઅલ સુનાવણીનો સવાલ છે, આ બંને કામગીરી બે મહિનાની અંદર શરૂૂ કરી દેવામાં આવશે. રાજ્ય સરકારના મુખ્ય સરકારી વકીલ તરફથી કરવામાં આવેલી ઉક્ત રજૂઆતને કોર્ટે ધ્યાને લીધી હતી અને આ મામલે થયેલા મૂળ કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો.

આ મૂળ કેસમાં હાઇકોર્ટે એવો આદેશ પણ કર્યો છેકે ટ્રિબ્યુનલ આ કેસના પક્ષકારોને સાંભળે અને તેમની અરજીઓનો નિકાલ શક્ય એટલી ઝડપથી કરે. પક્ષકારોએ પણ ટ્રિબ્યુનલને સહકાર આપવાનો રહેશે.
ઉલ્લેખનીય છે કે ટ્રિબ્યુનલમાં કામકાજ સમય પ્રમાણે નહીં થતાં હોવાની બાબત હાઇકોર્ટ સમક્ષ આ કેસની સુનાવણીમાં આવી હતી. તેથી ખંડપીઠે અગાઉ આદેશમાં નોંધ્યું હતું કે આ કેસમાં બંને પક્ષોના એડવોકેટ્સ દ્વારા સંયુક્ત રીતે એમ જણાવવામાં આવ્યું છે કે, સંબંધિત ટ્રિબ્યુનલની કાર્યવાહી નિયમિત સમયસર ચાલતી નથી. એટલું જ નહીં, ટ્રિબ્યુનલમાં સીમિત કલાકો માટે જ કેસો ચાલે છે. લગભગ એકથી દોઢ કલાક માટે જ ટ્રિબ્યુનલની કામગીરી ચાલુ રહે છે. ટ્રિબ્યુનલના પ્રિસાઇડિંગ ઓફિસર 12:00 વાગ્યા પછી જ બેસે છે અને એકથી દોઢ કલાકમાં તેઓ ઊભા પણ થઇ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *