ગાંધીગ્રામ પો.સ્ટે.ના PIને ફસાવવાના કેસમાં PSI જેબલિયા અને ત્રણ કોન્સ્ટેબલનો નિર્દોષ છૂટકારો

રાજકોટમાં ગાંધીગ્રામ પોલીસ મથકના તત્કાલીન પીએસઆઇ અને ત્રણ કોન્સ્ટેબલે અંગત અદાવતમાં તત્કાલીન પીઆઇ વાળાને એસીબીના કેસમાં ફસાવવા ફરિયાદીનું અપહરણ કરી ધાકધમકી આપી હોવાના કેસમાં કોર્ટે…

રાજકોટમાં ગાંધીગ્રામ પોલીસ મથકના તત્કાલીન પીએસઆઇ અને ત્રણ કોન્સ્ટેબલે અંગત અદાવતમાં તત્કાલીન પીઆઇ વાળાને એસીબીના કેસમાં ફસાવવા ફરિયાદીનું અપહરણ કરી ધાકધમકી આપી હોવાના કેસમાં કોર્ટે તત્કાલીન પીએસઆઇ અને ત્રણ કોન્સ્ટેબલને નિર્દોષ મુક્ત કરવા હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ રાજકોટમાં જામનગર રોડ પર રહેતા અંકિત બકુલભાઈ શાહના ભાઈ વિરુદ્ધ દારૂૂનો ગુનો દાખલ કર્યા બાદ ગાંધીગ્રામ પોલીસ મથકના તત્કાલીન પીએસઆઈ મહેન્દ્રકુમાર જેબલિયા, પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંતભાઈ રાઠોડ, પ્રતાપભાઈ કરપડા અને વિશાલભાઈ ડાવેરાએ અંકિત શાહનું અપહરણ કરી ગાંધીગ્રામના તત્કાલીન પી.આઈ. કે.એ. વાળા સાથે ચાલતી અંગત અદાવતમાં પી.આઈ. વાળાને ખોટા એસીબી કેસમાં ફસાવવા માટે અંકિત શાહ અને તેના પરિવાર પર દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી કોલ રેકોર્ડિંગ અને એસીબીમાં ટ્રેપ કરાવવા માટે મજબૂર કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસમાં તપાસ અધિકારી દ્વારા તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. ચાર્જશીટ બાદ કેસ ચાલવા પર આવતા આરોપીઓ વતી રોકાયેલા એડવોકેટ રઘુવીર બસીયા દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી કે, કેસની સુનાવણી દરમિયાન કુલ 11 સાક્ષીઓ અને 11 દસ્તાવેજી પુરાવાઓની ગહન તપાસ કરવામાં આવી છે.

આ કેસની ફરિયાદ બનાવના 14 દિવસ બાદ નોંધાવવામાં આવી છે અને ફરિયાદી અંકિત શાહ પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પી.આઈ. વાળા સાથે આરોપીઓને કોઈ મતભેદ હોય તેવું રેકોર્ડ પર પુરવાર થયું નથી. આરોપીઓ પોલીસ કર્મચારી હોવાથી તપાસ અર્થે ઘરે જવું સ્વાભાવિક છે અને સીડી જેવા પુરાવાઓને એવિડન્સ એક્ટ મુજબ યોગ્ય રીતે પુરવાર કરવામાં આવ્યા નથી સહિતની દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ કોર્ટે પીએસઆઈ મહેન્દ્રકુમાર જેબલિયા, કોન્સ્ટેબલ પ્રશાંતભાઈ રાઠોડ, પ્રતાપભાઈ કરપડા અને વિશાલભાઈ ડાવેરાને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *