આધારકાર્ડની કામગીરી ઝુંબેશ તરીકે ચલાવાશે: શિક્ષણમંત્રી

તાજેતરમાં જ સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે APAAR કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યુ છે. વિદ્યાર્થીઓનો તમામ શૈક્ષણિક ડેટા 12 અંકના આ APAAR કાર્ડ ની અંદર સમાવી લેવામાં…

તાજેતરમાં જ સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે APAAR કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યુ છે. વિદ્યાર્થીઓનો તમામ શૈક્ષણિક ડેટા 12 અંકના આ APAAR કાર્ડ ની અંદર સમાવી લેવામાં આવશે. જો કે ઉદ્દેશ્ય તો સારો છે પરંતુ આ APAARઆઈડી જનરેટ કરવાની પ્રક્રિયા એટલી જટીલ છે કે શાળા સંચાલકો પણ તેનાથી લાલઘુમ થયા છે. હાલ વિદ્યાર્થીઓના જન્મના દાખલા અને આધાર કાર્ડમાં નામમાં વિસંગતતા હોવાથી આ કાર્ડ બનાવવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે.


આ અંગે શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે જણાવ્યુ કે વાલીઓ અને વિદ્યાર્થીઓને આવી રહેલી સમસ્યાઓ દૂર કરવાના પ્રયાસ ચાલુ છે. શિક્ષકો સાથે આ મુશ્કેલીને કઈ રીતે દૂર કરી શકાય તે માટે ચર્ચા ચાલી રહી છે અને આ અંગે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે. આગામી સમયમાં શિક્ષણ વિભાગ- વહીવટીતંત્ર સાથે મળી અપાર આઈડીને ઝુંબેશ તરીકે લઈને કામગીરી કરશે.


ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી એટલે અપાર કાર્ડ. આ કાર્ડ આધાર કાર્ડથી થોડુ અલગ હશે અને બંનેને એકબીજા સાથે લીંક કરવામાં આવશે. આ કાર્ડ દ્વારા સરકાર વિદ્યાર્થીઓ માટે 12 અંકનું એક આઈડી કાર્ડ બનાવવા જઈ રહી છે. આ કાર્ડ વિદ્યાર્થીને બાળપણથી લઈને ઉચ્ચ અભ્યાસ સુધી કાયમી રહેશે. જો વિદ્યાર્થી શાળા બદલે છે તો પણ તેનુ અપાર આઈડી કાર્ડ સેમ જ રહેશે. આ કાર્ડમાં વિદ્યાર્થીનો તમામ શૈક્ષણિક ડેટા સમાવી લેવામાં આવશે.


આ કાર્ડધારક વિદ્યાર્થી બસ મુસાફરીમાં સબસિડી મેળવી શકશે. કોઈપણ સરકારી મ્યુઝિયમમાં ફ્રી એન્ટ્રી મેળવી શકશે.એમ્યુઝમેન્ટ પાર્ક અને હોસ્ટેલ માટે સબસિડી- માફી મળશે. વિદ્યાર્થીને પુસ્તકો અને સ્ટેશનરી ખર્ચ પર ડિસ્કાઉન્ટ મળશે. ઉપરાંત વિદ્યાર્થીને પરીક્ષાની ફી ભરવામાં પણ ઉપયોગી થશે.


જો કે હજુ પણ આધાર કાર્ડ અને અપાર કાર્ડને લઈને અનેક લોકોમાં ગેરસમજ રહેલી છે. અપાર કાર્ડ એ માત્ર વિદ્યાર્થીઓ માટે છે અને તે કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ પૂરતુ જ છે. જ્યારે આધાર કાર્ડ એ ભારતીય નાગરિક હોવાનો પૂરાવો છે અને એ શિક્ષિત- અભણ કોઈપણ લોકો કઢાવી શકે છે જ્યારે APAARકાર્ડ માત્ર શિક્ષિત વ્યક્ત અને શિક્ષણ મેળવી રહેલા લોકો માટે જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *