મૂળ જુનાગઢના અને હાલ રાજકોટના વાવડી રોડ પર રહેતા અનુસૂચિત જ્ઞાતિના યુવક મહેશકુમાર હરજીવનદાસ શ્રીમાળીને પોતાની કાયદેસરની રકમ પરત માંગવી ભારે પડી છે. જામનગર ખાતે નોકરી કરતા તેમના મિત્ર બસંત મહેરાના કહેવાથી યુવકે આરોપી અમિતભાઈ વાઘેલા પાસેથી પોતાના રૂૂા. 3,00,000/- પરત મેળવવાના હતા. આ રકમની ઉઘરાણી કરવા માટે ગયેલા ફરિયાદી યુવકને આરોપીઓએ પંચશીલ રોડ પર આવેલી ઓફિસમાં બંધ બારણે ગાળો ભાંડી, શારીરિક હુમલો કરી તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. માલવીયાનગર પોલીસે આ અંગે દંપતી સહિત કુલ છ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, ફરિયાદી મહેશકુમારે પોતાના મિત્ર બસંતભાઈને દીકરાની ફી ભરવા માટે રૂૂા.3,00,000/- આપ્યા હતા.એપ્રિલ માસમાં મહેશકુમારે ફ્લેટ ખરીદવાનો હોવાથી પૈસા પાછા માંગતા, બસંતભાઈએ રાજકોટના અમિતભાઈ વાઘેલા પાસેથી આ રકમ અપાવી દેવાનું નક્કી કરાવ્યું હતું. ગત તા. 22/04/2026 ના રોજ બપોરે અમિતભાઈએ ફોન કરીને ફરિયાદીને પંચશીલ રોડ પર આવેલી બંસીધર એપાર્ટમેન્ટની પોતાની ઓફિસે પૈસા લેવા માટે બોલાવ્યા હતા.
ફરિયાદી તેમની પત્ની અને સંબંધીઓ સાથે ત્યાં પહોંચ્યા ત્યારે તેમની પત્નીને ઓફિસની બહાર ઉભી રાખીને મહેશકુમારને અંદર લઈ જવામાં આવ્યા હતા. તેઓ જેવા અંદર ગયા કે તરત જ ત્યાં હાજર એક અજાણ્યા ઈસમે ઓફિસનો દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારબાદ આરોપી અમિતભાઈ અને અન્ય બે અજાણ્યા માણસોએ ફરિયાદીને ગાળો આપવાનું શરૂૂ કર્યું હતું અને દરવાજો બંધ કરનાર વ્યક્તિએ ફરિયાદીને ત્રણથી ચાર ઝાપટો મારી દીધી હતી. ઓફિસની અંદર આરોપીઓએ ફરિયાદી મહેશકુમાર અનુસૂચિત જ્ઞાતિના હોવાનું જાણવા છતાં તેમની જ્ઞાતિ પ્રત્યે અત્યંત અપમાનજનક અને હડધૂત કરનારા શબ્દો કહ્યા હતા.
આરોપીઓએ ધમકી આપતા જણાવ્યું હતું કે, “તું નીચલી જ્ઞાતિનો છો, રસ્તામાં અમને ક્યાંય મળતો નહીં અને હવે પછી જો રૂૂપિયાની માંગણી કરી છે તો તને જાનથી મારી નાખીશું અને પોલીસ કેસ કરતો નહીં”. આ ઘટના બાદ ફરિયાદીએ માલવીયાનગર પોલીસ સ્ટેશન અને પોલીસ કમિશનર કચેરીમાં લેખિત અરજી આપી હતી,જેના આધારે ગઈકાલે વિધિવત રીતે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે અમિતભાઈ વાઘેલા, તેમનો દીકરો જીલ, પત્ની ચેતનાબેન અને અન્ય ત્રણ અજાણ્યા માણસો સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
