મોરબીમાં BAPS મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા પ્રસંગે વિશ્ર્વશાંતિ મહાયજ્ઞ યોજાયો

સિરામિક ઉદ્યોગક્ષેત્રે વિશ્વ ફલકે ચમકતી, મચ્છુના તટે મયુર નગરી મોરબીની ધરાને આંગણે મંદિરના પ્રેરણામૂર્તિ અને સર્જક પ્રગટ બ્રહ્મસ્વરૂૂપ મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવનો…

સિરામિક ઉદ્યોગક્ષેત્રે વિશ્વ ફલકે ચમકતી, મચ્છુના તટે મયુર નગરી મોરબીની ધરાને આંગણે મંદિરના પ્રેરણામૂર્તિ અને સર્જક પ્રગટ બ્રહ્મસ્વરૂૂપ મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવનો આરંભ થઈ ચૂક્યો છે. જે અંતર્ગત ગત શુક્રવાર અને શનિવારે 7:30 કલાકે મંદિર પ્રાંગણમાં આવેલ વૈદિક યજ્ઞશાળામાં પવિત્ર સંતો અને વેદપાઠી બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ’નો શુભારંભ થયો હતો. ભારત દેશ અને વિદેશના અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુ.એ.ઈ., સાઉથ આફ્રિકા, કેન્યા, ટાન્ઝાનિયા, યુગાન્ડા સહિતના દેશોમાંથી યજમાનોએ વિશ્વશાંતિ મહાયજ્ઞમાં ભાગ લીધો હતો. વિશેષ તો આફ્રિકા ખંડના વિવિધ દેશોમાંથી પધારેલ 150 થી અધિક યજમાનો આજના વિશ્વશાંતિ મહાયજ્ઞમાં જોડાયા હતા.

આ વિશ્વશાંતિ મહાયજ્ઞમાં સંસ્થાના ષડ્દર્શનાચાર્ય વિદ્વાન સંત શ્રુતિપ્રકાશ સ્વામી જેઓ સંસ્થાના મુખ્ય ઉત્સવોમાં દેશ અને વિદેશમાં યોજાતા વિશાળ યજ્ઞના આયોજનની જવાબદારીઓ સંભાળતા હોય છે તેઓના માર્ગદર્શન મુજબ 25 વેદપાઠી બ્રાહ્મણો દ્વારા યજ્ઞની સમગ્ર વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
પવિત્ર તીર્થસ્થાન ગોંડલ અક્ષરદેરીની અખંડ જ્યોતથી યજ્ઞકુંડની જ્યોતિ પ્રજ્વલલિત કરવામાં આવી હતી. વેદપાઠી બ્રાહ્મણોના વેદમંત્રોના ઉચ્ચારણો સાથે મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓ સમક્ષ યજમાનોએ જવ, તલ, ડાંગર, ઘી, સમિધ સહિતની આહુતિઑ યજ્ઞકુંડમાં અર્પણ કરી હતી.

વિશ્વશાંતિ મહાયજ્ઞના પ્રથમ અને દ્વિતીય દિને યજ્ઞશાળાના 610 યજ્ઞકુંડોમાં કુલ 10,000 જેટલા યજમાન ભક્તોએ યજ્ઞમાં સમ્મિલિત થઈ યજ્ઞદેવતાને આહુતિઑ અર્પણ કરી હતી. બંને દિવસો દરમિયાન રાજ્યકક્ષા મંત્રી કાંતિલાલ અમૃતિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મેયર ઉત્તમભાઈ સુરાણી, ડે.મેયર ચિરાગભાઈ રાણપરા, પૂર્વમંત્રી બ્રીજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, ભાજપા મહામંત્રી અરવિંદભાઈ વાંસદડીયા અને તપનભાઇ દવે, કોર્પોરેટર મેઘરાજસિંહ ઝાલા, કલેકટર સ્વપ્નિલભાઈ ખરે, કોર્પોરેશન કમિશનર સંગીતાબેન રૈયાણી, એડિશનલ કલેકટર એસ.જે. ખાચર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ દિવસે યજ્ઞ દરમિયાન શહેરના ડીડીઓ વિદ્યાસાગર, એસ.પી. મુકેશ પટેલે યજ્ઞમાં પધારી દર્શન કર્યા હતા. બ્રહ્મતીર્થ સ્વામી અને પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ તેઓને ચાંદલો કરી, નાડાછડી બાંધી આવકાર્યા હતા.

આ મહાયજ્ઞમાં મહંતસ્વામી મહારાજ 93 વર્ષની જૈફ વયે પણ ઉપસ્થિત તમામ યજમાનોને લાભ આપવા યજ્ઞશાળામાં પધાર્યા હતા. પૂજ્ય સંતોએ સ્વામીને ચાંદલો કરી, નાડાછડી બાંધી આવકાર્યા હતા. સ્વામીએ મંચ પર બિરાજમાન તમામ મૂર્તિઓની આરતી ઉતારી, પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સ્વામીએ આશીર્વચન વરસાવતા જણાવ્યું હતું કે, આ યજ્ઞથી સર્વત્ર સુખ, શાંતિ અને ધર્મભાવના વધશે. તમામ યજમાનો તને, મને અને ધને એમ સર્વ પ્રકારે સુખી થાવ એવી ભગવાનને પ્રાર્થના. અંતમાં સ્વામી યજ્ઞમાં ઉપસ્થિત તમામ યજમાનોને દર્શનદાન આપવા પધાર્યા ત્યારે સમગ્ર યજ્ઞશાળાનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *