હિંમતનગરમાં યોજાયેલા સમૂહ લગ્નના મંચ પરથી કચ્છ કડવા પાટીદાર સમાજે એક એવી જાહેરાત કરી છે, જેણે સમગ્ર પાટીદાર સમાજનું ધ્યાન ખેંચ્યું છે. સમાજમાં ત્રીજા બાળકનો જન્મ થશે તો પરિવારને 51 હજાર રૂૂપિયાનું ઈનામ આપવામાં આવશે. ત્રીજા બાળક તરીકે દીકરીનો જન્મ થાય તો પણ આ જ રકમનું ઈનામ મળશે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ પાટીદારોની ઘટતી જતી વસતિને અટકાવવાનો છે.
વિશ્ર્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યુ હતુ કે, વિશ્વ ઉમિયાધામ દ્વારા ત્રીજા બાળક માટે પ્રોત્સાહન આપવાની પહેલ શરૂૂ કરવામાં આવી હતી. તે પહેલને હવે કચ્છ કડવા પાટીદાર સમાજે સ્વીકારી છે. સમાજના આગેવાનોનું માનવું છે કે, જો દરેક સમાજ આ દિશામાં આગળ વધશે તો વસતિનું સંતુલન જળવાઈ રહેશે અને સમાજનું ભવિષ્ય સુરક્ષિત બનશે.
હિંમતનગરના સમૂહ લગ્નમાં આ જાહેરાત કરતી વખતે વક્તાઓએ સ્પષ્ટ કહ્યું કે, આ માત્ર પૈસાનો વિષય નથી. આ સમાજને જાગૃત કરવાનો પ્રયાસ છે. આજે ઘણા પરિવારો એક કે બે બાળક પછી અટકી જાય છે. તેના કારણે સમાજમાં યુવાનોની સંખ્યા ઘટી રહી છે. લાંબા ગાળે તેની અસર સમાજના સંગઠન, સંસ્કાર અને પરંપરા પર પડે છે. એટલે જ સમાજે સમયસર નિર્ણય લેવો જરૂૂરી બન્યો છે.
વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે પણ પાટીદાર સમાજને આહ્વાન કર્યું છે કે, આપણી ઘટતી વસતિને ધ્યાને લઈને દરેક પરિવારે વિચારવું જોઈએ. તેમણે કહ્યું કે, બાળક એ ભગવાનની ભેટ છે. દીકરો હોય કે દીકરી, બંને સમાન છે. દીકરીના જન્મને પણ એટલા જ ઉત્સાહથી વધાવવો જોઈએ. સમાજમાં દીકરીને બોજ નહીં, પણ આશીર્વાદ માનવાની પરંપરા મજબૂત કરવી પડશે.
કચ્છ સમાજની આ જાહેરાતને સમૂહ લગ્નમાં ઉપસ્થિત લોકોએ તાળીઓથી વધાવી હતી. અનેક લોકોએ કહ્યું કે, આ નિર્ણય અન્ય સમાજો માટે પણ પ્રેરણારૂૂપ બનશે. જો દરેક સમાજ પોતાની રીતે આવા પ્રોત્સાહક પગલાં લેશે તો ગુજરાતના સામાજિક માળખાને નવી તાકાત મળશે.
આગામી દિવસોમાં આ યોજનાના નિયમો, અરજીની પ્રક્રિયા અને ઈનામ વિતરણની વિગતો સમાજ દ્વારા જાહેર કરવામાં આવશે. હાલ તો આ જાહેરાતે સમાજમાં નવી ચર્ચા જગાવી છે. ત્રીજા બાળકનો જન્મ હવે માત્ર પરિવારની ખુશી નહીં, પણ સમાજના ગૌરવનો પ્રસંગ બનશે, તેવો વિશ્વાસ આગેવાનોએ વ્યક્ત કર્યો છે.
જન્મદર વધારવા સંતો-મહંતો પણ કરે છે અવાર નવાર અપીલ
દીકરીઓની તંગીના કારણે લગ્ન મોડા થવાનું અથવા તો યુવાનો કુવારા રહેવાનું પ્રમાણ વધ્યુ હોવાથી ભારતમાં જન્મદર ધીમો પડ્યો છે. ત્યા હિંદુ સમાજના સંતો-મંહતો પણ બેથી વધુ બાળકો પેદા કરવા સમયાંતરે અપીલો કરી રહ્યા છે. આવા સમયે કડવા પાટીદાર સમાજની ત્રણ બાળકો પેદા કરવાની પહેલે સૌનું ધ્યાન ખેંચ્યુ છે. હાલ સમાજમાં મોડા લગ્ન કરવા ઉપરાંત લગ્ન બાદ મોડા સંતાનો પેદા કરવાની માનસિકતા તેમજ છૂટાછેડાના વધતા પ્રમાણના કારણે જન્મદર ઉપર તેની અસર વિપરિત અસર પડી રહી છે.
