ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. સુરેન્દ્રનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (જઘૠ)એ મહેતા માર્કેટ અને ટાંકી ચોક વિસ્તારમાં દરોડા પાડી ભેળસેળયુક્ત અમુલ ઘીના 22 ડબ્બા સહિત કુલ 2.35 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે બે શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચના મુજબ જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ નાબૂદ કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત SOG PI બી.એચ. શીંગરખીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ફૂડ અને ડ્રગ્સ વિભાગને સાથે રાખી સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
પોલીસે સૌપ્રથમ મહેતા માર્કેટમાં આવેલી ’હેત્વી સેલ્સ’ નામની દુકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં દુકાનદાર પ્રિતેષ હસમુખ લાલાણી (રહે. રતનપર) પાસેથી શંકાસ્પદ ઘીના 6 ડબ્બા મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ જથ્થો ટાંકી ચોક પાસે આવેલી ’જે.સી. એન્ડ કંપની’ માંથી મેળવવામાં આવ્યો હતો.
ત્યારબાદ પોલીસે જે.સી. એન્ડ કંપનીમાં તપાસ હાથ ધરતા ત્યાંથી ’અનન્યા’ કંપનીના બોક્સમાં પેક કરેલા ’અમૂલ પ્યોર ઘી હોલસેલ પેકેજ’ લખેલા વધુ 16 ડબ્બા મળી આવ્યા હતા. પોલીસે આ સ્થળેથી સંચાલક રાજ જયેશ શકાણી અને જયેશ ચંદુલાલ શકાણીની અટકાયત કરી હતી.
જપ્ત કરાયેલા મુદ્દામાલમાં અમુલ ઘીના ડબ્બા (22 નંગ): ₹2,20,000 અને મોબાઈલ ફોન (2 નંગ): ₹15,000 સહિત કુલ રૂા.2.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ભેળસેળયુક્ત ઘીનો આ જથ્થો અમદાવાદની નારાયણી એન્ટરપ્રાઇઝ પાસેથી મંગાવવામાં આવ્યો હતો. હાલ પોલીસે સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની તપાસ તેજ કરી છે.
જઘૠ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વિસ્તારમાં નકલી કે ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ થતું હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી. માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. આ સફળ કામગીરીમાં ઙઈં બી.એચ. શીંગરખીયા, ઙજઈં એન.એ. રાયમા, ઙજઈં આર.જે. ગોહિલ અને જઘૠ ટીમનો સ્ટાફ જોડાયો હતો.
