દરેક બાળકની અંદર એક નવી દુનિયા

આજે બાળકનું જીવન માત્ર અને માત્ર સમયપત્રક અને ગુણપત્રક વચ્ચે જોખાઇ રહ્યું છે. સવારે શાળા, ટ્યૂશન, હોમવર્ક, જાત જાતના કલાસીસ જેવી અનેક ગમતી અને અણગમતી…

આજે બાળકનું જીવન માત્ર અને માત્ર સમયપત્રક અને ગુણપત્રક વચ્ચે જોખાઇ રહ્યું છે. સવારે શાળા, ટ્યૂશન, હોમવર્ક, જાત જાતના કલાસીસ જેવી અનેક ગમતી અને અણગમતી એક્ટિવિટી વચ્ચે બાળક પીસાઇ રહ્યું છે. વાસ્તવમાં બાળકને શું ગમે છે અને શું નથી ગમતું એ કોઈ જાણવાની કોશિશ પણ નહીં કરે. મોટાભાગના લોકો આ માટે દેખાદેખીને જ અનુસરે છે. પેલું બાળક પેલા ક્લાસીસમાં જાય છે તો હું પણ મોકલું. આવી અનેક દેખાદેખી વચ્ચે ઉછરતું બાળક હકીકતે પોતાને શું ગમે છે એ પણ દર્શાવી શકતું નથી અને આગળ જતાં પોતાની સ્કિલ જ ખોઈ બેસે છે. બાળકને ગમતી પ્રવૃત્તિઓ કરવાં દેવાથી બાળકમાં આત્મવિશ્વાસ વિકસે છે, આ વાતને કોઈ મા બાપ સમર્થન નહીં જ આપે.

બાળકને સફળ બનાવવાની ઈચ્છા દરેક માતા પિતામાં હોય છે, પરંતુ સફળતાની વ્યાખ્યા માત્ર ડોક્ટર, એન્જિનિયર કે સરકારી અધિકારી બનવા સુધી મર્યાદિત ના હોવી જોઈએ. દરેક બાળક પોતાની ખૂબી સાથે જ જન્મ લે છે. તેને ફક્ત ઓળખીને વિકસાવવું અત્યંત જરૂૂરી છે. કોઈ ક્ષેત્ર નાનું કે મોટું નથી હોતું. જો એવું જ હોત તો આજે કોઈ સચિન તેંડુલકર કે લતા મંગેશકર જેવી કારકિર્દી જ ના બનાવી શક્યા હોત. આવા તો અનેક ઉદાહરણો આપણી સામે છે છતાં આપણે એ સાઈડ જોતાં પણ નથી. દુનિયામાં હજારો કારકિર્દીના ક્ષેત્રો છે છતાં આપણને આંગળીના વેઢે ગણાય એટલા જ ક્ષેત્રોમાં રસ છે, જે આગળ જતાં બાળક માટે સારુ નિવડશે કે ખરાબ એનો પણ ખ્યાલ રાખતા નથી.

આજે બાળકને સાંભળશો તો આવતીકાલે સમાજ જરૂૂર બદલાશે. આંતરરાષ્ટ્રીય બાળદિવસ આપણને એ જ સરળ સંકલ્પ લેવાં પ્રેરણા આપે છે કે દરરોજ બાળકને થોડો સમય આપીએ. બાળકની અંદરની જિજ્ઞાસા જાણીએ. જે કાર્યમાં પારંગત હોય એ બાજુ બાળકને ઢળવા દો. ઉપરાંત બાળકને મિત્રો સાથે રમવાનો પણ પૂરતો સમય આપો. બાળકો સાથે મળીને કંઈક નવું બનાવવાની, જાણવાની કે કુદરતને સમજવાનો પૂરતો પ્રયાસ કરશે. જો નિષ્ફ્ળ જશે તો પણ ફરી પ્રયાસ કરશે. અહીંથી જ તે નિયમિત મહેનત, શિસ્ત અને હાર સ્વીકારવાની હિંમત કેળવે છે.

બાળકને હંમેશા જીત જ મળશે એવો આગ્રહ નહીં રાખવા સતત સમજાવવા જોઈએ. હાર મળે તો હિંમત ના ગુમાવવી અને જીત મળે તો નમ્ર રહેતાં શીખવવું જોઈએ. બાળકોની સુરક્ષા અતિ મહત્ત્વની છે. છતાં તેનો અર્થ એ નથી થતો કે તેને દરેક નવી વસ્તુઓથી દૂર રાખવા જોઈએ. ઉંમર પ્રમાણે જવાબદારી સોંપવી અત્યંત આવશ્યક છે. પોતાનાં નાના નિર્ણયો જાતે લેવાં દો. બધું જ તમે કરી આપશો તો આરામની જિંદગી જીવવા ટેવાઈ જશે અને નુકશાન છેલ્લે બાળકોને જ થશે.

બાળકોને માત્ર મોટા સપના જોવાનું જ નહીં, પણ એ સપના માટે ક્યારે અને કેટલી મહેનત કરવી એ પણ શીખવવું જોઈએ. તેની ભૂલોના લીધે તેમને ટોકવા કરતાં તેમાંથી આગળ કઈ રીતે વધી શકાય એવા માર્ગદર્શન આપીએ. બાળકનું સાચું ઘડતર ત્યારે જ થાય જયારે પોતાની ઓળખ બનાવવાની સ્વતંત્રતા અને યોગ્ય દિશામાં આગળ વધવાનો વિશ્વાસ મળે છે.

દરેક બાળકને સુરક્ષિત બાળપણ અને સન્માનભર્યું જીવન મળે એ માત્ર પરિવારની નહીં, પરંતુ સમગ્ર વિશ્વની જવાબદારી છે. આ જ હેતુથી દર વર્ષે 20 નવેમ્બરે “ૂજ્ઞહિમ ભવશહમયિક્ષ મફુ” ઉજવવામાં આવે છે. બાળકોના અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવા માટે આ દિવસ મહત્વપૂર્ણ બનાવવામાં આવ્યો છે. દરેક બાળક પોતાની આગવી ઢબે ચાલતું હોય છે, તેથી કોઈ સરખામણી થઈ શકે જ નહીં. બાળક એ કોઈ હરીફાઈનો મોહરો નથી કે તેને સતત બીજા સાથે સરખામણીની સ્પર્ધામાં ઉતારીએ.

આંતરરાષ્ટ્રીય બાળદિવસ નિમિત્તે ચાલો એવો સમાજ બનાવવાનો સંકલ્પ લઈએ, જ્યાં કોઈ બાળકનું સપનું સંજોગોના ભાર નીચે દબાઈ ના જાય. દરેક બાળકને પોતાની પ્રતિભા સાબિત કરવાની તક મળે. બાળકને આપણે કેવું બાળપણ આપીએ છીએ તેનાં પરથી જ આવતીકાલનો સમાજ કેવો હશે તેનો આધાર રહેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *