ભાવેણામાં જય જગન્નાથજીના નાદ સાથે નીકળી ભવ્ય રથયાત્રા

શહેરના 17.5 કિ.મી.ના રૂટ ઉપર કેસરિયો માહોલ, વિવિધ ફલોટ્સનું આકર્ષણ આજે અષાઢીબીજના પર્વ, તા.16 જુલાઇને ગુરૂૂવારે ભાવનગરમાં પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાનું સવારે 8…

શહેરના 17.5 કિ.મી.ના રૂટ ઉપર કેસરિયો માહોલ, વિવિધ ફલોટ્સનું આકર્ષણ

આજે અષાઢીબીજના પર્વ, તા.16 જુલાઇને ગુરૂૂવારે ભાવનગરમાં પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાનું સવારે 8 કલાકે સુભાષનગર વિસ્તારમાં ભગવાનેશ્વર મહાદેવ મંદિર, જગન્નાથજી મંદિર ખાતેથી જય જય જગન્નાથ, હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી જેવા ગગનભેદી નારા સાથે પ્રસ્થાન થઈ હતી.

ગુજરાત રાજયમાં બીજા ક્રમે આવતી ભાવનગરની ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભાવનગરમાં ધર્મોલ્લાસ છવાયો છે.આજે ગુરૂૂવારે સવારે 8 કલાકે ભગવાન જગન્નાથજી, બલરામજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓની શાસ્ત્રોકત વિધિ કરી પૂજા અર્ચન કરવામાં આવ્યું હતું. સંતો, મહંતો,મહામંડલેશ્વર તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો,પદાધિકારીઓ, મહાનુભાવોની ઉપસ્થિતીમાં ભાવેણાના મહારાજા વિજયરાજસિંહ તથા યુવરાજ જયવીરરાજસિંહજીના હસ્તે સોનાના ઝાડુથી છેડાપોરા વિધિ બાદ માજી સૈનિક સંગઠન દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી રથયાત્રાને પ્રસ્થાન કરવામાં આવેલ.રથયાત્રાની આગળ આગળના ચોકમાં કલાત્મક રંગોળીઓ બનાવવામાં આવતી હતી.

રથયાત્રા જેમ જેમ આગળ વધતી હતી તેમ તેમ ભાવિકો રથયાત્રામાં જોડાતા હતા. અનેક વિસ્તારોમાં શરબત વિતરણ, પ્રસાદી વિતરણ કરવામાં આવ્યું હતું. રથયાત્રા પ્રસ્થાન સમયે ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા સહિતના રાજકીય મહાનુભાવો તથા સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પેટ્રોલ ડિઝલની રાષ્ટ્રીય સમસ્યાને લઈને આ વખતની રથયાત્રામાં ટ્રક અને ટ્રેકટર સહિતના વાહનોની સંખ્યામાં ઘટાડો કરી ધાર્મિક, સાંસ્કૃતિક, પર્યાવરણ, સંરક્ષણ અને અવેરનેસની થીમની કવોલીટીવાળા ફલોટસ સાથેના 60 ટ્રક, 20 ટ્રેકટર, 2 જીપ, 15 છકરડા, 1 હાથી, 8 ઘોડા, મીની ટ્રેઈન, વાંદરો, નાસિક ઢોલ, તોપ,દુર્ગાવાહિની અને બજરંગદળના અખાડાઓ તેમજ ગણેશ ક્રિડાંમંડળ દ્વારા જીમ્નાસ્ટીક સ્કેટીંગના દાવો, બોડી બિલ્ડિંગ એસો.દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યા છે. આ રથયાત્રામાં ચણાની પ્રસાદી 3 ટન કરવામાં આવી છે.આ વર્ષે રથયાત્રાની પાછળ ભાવનગર મનપા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

રથયાત્રામાં જિમ્નાસ્ટિક્સ, જુદી જુદી રાસ મંડળીઓ, સત્સંગ મંડળો, ડંકા, ઢોલ, ત્રાસા, નગારા તેમજ ડીજે સાઉન્ડ સીસ્ટમ ઉપર ભગવાનના ગુણગાન ગાતા ગીતોનો કાર્યક્રમ તેમજ સામાજિક, ધાર્મિક સંસ્થાઓ વગેરેના ફલોટો જોડાયા હતા. વહીવટીતંત્ર, પોલીસતંત્ર રથયાત્રા કમિટિ વિ.એ સંકલન સાધી તમામ વ્યવસ્થાને આખરી ઓપ આપી દીધો હતો. આ રથયાત્રામાં 15 ASP/DYSP,, 31 એક્જ.મેજીસ્ટ્રેટ, 5 કંપની SRP, 48 પી.આઇ., 109 પી એસ આઈ., 1836 પોલીસ અને 1500 હોમગાર્ડ જવાનો સમગ્ર રથયાત્રા દરમિયાન તૈનાત રહ્યા હતા. શહેરના 17.5 કિલોમીટરના નિયત રૂૂટ પર ફરનારી રથયાત્રામાં મિની ટ્રેન, લંબુ વાંદરા, છત્રી મંડળી, નાસિક ઢોલ, ભુંગળ મંડળી, ભજન મંડળી વિ. તેમજ અખાડાના દાવ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ત્રણ ટન ચણાની પ્રસાદીનુ વિતરણ કરાશે.પોતાના વિસ્તારોને ધજા-પતાકા, રોશની અને કલાત્મક કમાનોથી શણગાર્યા છે. રથયાત્રાને લઈ ભાવનગર કેસરિયા રંગમાં રંગાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *