રાજકોટમાં વધુ એક આશાસ્પદ યુવતીએ આપઘાત કરી લીધો છે.કોઠારીયા રોડ પર તીરૂૂપતી બાલાજી પાર્કમાં બહેન-બનેવી સાથે રહેતી અને પોલીસની તૈયારી કરતી યુવતીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા શોક છવાઈ ગયો છે.
મળતી વિગત મુજબ,ઉનાની વતની હાલ કોઠારીયા રોડ પર તીરૂૂપતી બાલાજી પાર્કમાં શેરી નં. 1 બ્લોક નં. કે. 31 માં રહેતા બહેન અને બનેવી સાથે રહેતી રેણુકા કરશનભાઇ પરમાર (ઉ.વ.30) એ ગઇકાલે ઘરના હોલમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બહેન-બનેવી નોકરી પર ગયા હોઇ બહેન નોકરીએથી ઘરે આવતા નાની બહેનનો લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા.
બાદ કોઇએ 108 માં જાણ કરતા ટીમે સ્થળ પર પહોંચી ઇએમટી સૌરભભાઇએ તપાસ કરતા યુવતીનું મૃત્યુ નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. પ્રશાંતસિંહ તથા રાઇટર કુલદીપસિંહ સહિતે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
ભક્તિનગર પોલીસની તપાસમાં મૃતક રેણુકાના પિતા ઉનામાં ખેતી કરે છે. તે ત્રણ બહેન અને એક ભાઇમાં ત્રીજા નંબરની હતી.તે પોલીસની તૈયારી માટે છેલ્લા એક વર્ષથી રાજકોટમાં બહેન-બનેવી સાથે રહેતી હતી. ગઇકાલે તેના માતા-પિતા સાથે ફોનમાં તેણીના લગ્ન બાબતે રકઝક થયા બાદ તેણીએ આ પગલુ ભર્યુ હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણ મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.