મધ્યમ વર્ગને મોટી કરરાહત જો જો મોંઘવારી નામની ડાકણ લૂંટી ન જાય

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે અંતે બજેટ રજૂ કરી દીધું અને દેશના બહુમતી વર્ગને ખુશ પણ કરી દીધો. ભાજપ વરસોથી મધ્યમ વર્ગ અને નોકરિયાતોને કરવેરામાં…

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે અંતે બજેટ રજૂ કરી દીધું અને દેશના બહુમતી વર્ગને ખુશ પણ કરી દીધો. ભાજપ વરસોથી મધ્યમ વર્ગ અને નોકરિયાતોને કરવેરામાં રાહત આપવાના નામે ઉલ્લુ બનાવતો હતો ને બજેટમાં છેતરામણી જાહેરાતો કરીને ઠગતો હતો. આ વખતે પહેલી વાર એવું બન્યું કે, ભાજપે બજેટમાં કોઈ ચાલાકી ના કરી અને આવકવેરામાં કોઈને કલ્પના પણ ના આવે એવી જબરદસ્ત રાહત આપી દીધી.
મોદી સરકારના બજેટમાં નોકરી કરનારા લોકો માટે આવકવેરા મુક્તિ મર્યાદા સીધી 12 લાખ રૂૂપિયા કરી દેવાઈ છે અને સ્ટાન્ડર્ડ ડીડક્શન પણ આપી દેતાં અસરકારક રીતે 12.75 લાખ રૂૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આ એક જ જાહેરાત દ્વારા ભાજપે અત્યાર સુધી તેની વફાદાર મતબેન્ક એવા મધ્યમ વર્ગ સાથે કરેલી તમામ છેતરપિંડીનું પ્રાયશ્ચિત કરી નાખ્યું એમ કહેવું જરા વધારેપડતું છે, પણ ભાજપ અમારા માટે કંઈ નથી કરતો એવો મધ્યમ વર્ગના મનનો ખટકો ચોક્કસ દૂર કરી દીધો છે. ભાજપે 11 વર્ષ પહેલાં આવકવેરા મુક્તિ મર્યાદા 5 લાખ રૂૂપિયા કરવાનું વચન આપેલું, પણ એ પાળ્યું નહોતું. હવે 11 વર્ષ પછી એ વચન પાળીને મધ્યમ વર્ગને રાજીના રેડ કરી દીધો. દેર આયે દુરસ્ત આયે.

ગુજરાતીમાં કહેવત છે કે, ચમત્કાર વિના નમસ્કાર નહીં. મોદી સરકાર મધ્યમ વર્ગના પગોમાં આળોટી ગઈ તેના માટે પણ 2024ની લોકસભાની ચૂંટણીમાં બતાવેલો ચમત્કાર જવાબદાર છે. ભાજપ એમ માનીને જ વર્તતો હતો કે મધ્યમ વર્ગ સંગઠિત નથી તેથી તેને કઈ નહીં આપીએ તોપણ એ કશું કરી લેવાનો નથી તેથી ગરીબો, ખેડૂતો વગેરેને લહાણીઓ થતી પણ મધ્યમ વર્ગને લટકાવી રખાતો હતો. મધ્યમ વર્ગે તેની સામે કોઈ રીએક્શન અપ્યા વિના લોકસભાની ચૂંટણીમાં ભાજપને મત ના આપ્યા ને ભાજપ 303 બેઠકો પરથી સીધો 240 બેઠકો પર આવી ગયો પછી ભાજપની નેતાગીરીને ભાન થયું કે, હવે મધ્યમ વર્ગને વધારે ટટળાવીશું તો મધ્યમ વર્ગ આપણને ક્યાંયના નહીં રહેવા દે એટલે જખ મારીને મધ્યમ વર્ગને આવકવેરામાં મોટી રાહત આપી દીધી. આવકવેરામાં મળેલી રાહત મધ્યમ વર્ગની ઠંડી તાકાતની જીત છે.મધ્યમ વર્ગની ઇચ્છાઓ બહુ મોટી છે, પણ બેફામ મોંઘવારી અને ભારે કરબોજના ભારના કારણે ખર્ચવા માટે નાણાં જ બચતાં નહોતાં. હવે કરબોજ ઘટશે તેથી નાણાં બચશે એટલો તેનો હાથ થોડોક છૂટો થશે. મધ્યમ વર્ગ નાની નાની લક્ઝરી પાછળ કે પછી બચતમાં રૂૂપિયા નાખતો હોય છે તેથી સરકારે આપેલી રાહતનો રૂૂપિયો પણ અર્થતંત્રમાં ફરતો થશે તેથી દેશના અર્થતંત્રને ફાયદો જ થશે.

જોકે બજેટનો લાભ મોંઘવારી નામની ડાકણ લૂંટી ન જાય એ માટે સરકારે ફુગાવાને કાબુમાં રાખવો જોઇએ. વળી, હવે સમય પાકી ગયો છે કે ભાવ સુચકાંક સાથે રાહત જોડવામા આવે જેવી આપોઆપ કરરાહત વધતી રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *