કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે સૂચિત સીમાંકન ખરડો અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના હિતોનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયો છે, અને તેમણે તેને એક અન્યાય ગણાવ્યો. ઇન્ડિયા બ્લોકની બેઠક બાદ તેમણે દલીલ કરી કે SC અને ST માટે અનામત બેઠકો તેમની વસ્તીના પ્રમાણમાં વધવી જોઈએ. તેમણે એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો કે 2026ની વસ્તી ગણતરી (જે હજુ થવાની બાકી છે) ના આધારે કોઈ જોગવાઈઓ કેમ નથી કરવામાં આવી.
ખડગેએ ભાજપ પર બંધારણને નષ્ટ કરવાનો અને તેના સ્થાને ’મનુસ્મૃતિ’ લાવવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો. તેમણે ભાજપના નેતૃત્વવાળી સરકાર પર સત્તા કાયમી ધોરણે જાળવી રાખવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, સરકારની મહત્વાકાંક્ષા 400 બેઠકો પાર કરવાથી વધીને હવે 800થી વધુ બેઠકો મેળવવા સુધી પહોંચી ગઈ છે.
ખડગેએ બંધારણની કલમ 330નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, લોકસભામાં તેમની અનામત બેઠકો તેમની વસ્તીના પ્રમાણમાં વધવી જોઈએ. તેમણે કહ્યું, આ પ્રસ્તાવમાં આવી કોઈ જોગવાઈ નથી. આ અન્યાય છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે, INDIA ગઠબંધનના નેતાઓએ કેન્દ્રના પ્રસ્તાવિત ખરડાઓનો વિરોધ કરવાનો સામૂહિક નિર્ણય લીધો છે અને તેને લોકશાહી માટે મોટો ખતરો ગણાવ્યો છે.
અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને ’ઈન્ડિયા’ ગઠબંધનના નેતાઓ સંયુક્ત રણનીતિ ઘડવા માટે એકત્ર થયા હતા. બેઠક દરમિયાન, કોંગ્રેસે ફરી ભારપૂર્વક જણાવ્યું હતું કે એક-તૃતીયાંશ અનામત વર્તમાન ગૃહમાં જ લાગુ કરવામાં આવે અને રાજ્યો વચ્ચે બેઠકોની ફાળવણી આગામી 25 વર્ષ સુધી યથાવત રાખવામાં આવે.
પક્ષે બેઠકની એક તસવીર સાથે ’ડ’ (ટ્વિટર) પર પોસ્ટ કર્યું, “લોકસભાની વર્તમાન સભ્ય સંખ્યા જાળવી રાખવી જોઈએ. મહિલા અનામત લોકસભાની વર્તમાન સભ્ય સંખ્યાના આધારે આપવી જોઈએ. લોકસભામાં રાજ્યો વચ્ચે બેઠકોની વર્તમાન ફાળવણી આગામી 25 વર્ષ સુધી યથાવત રાખવી જોઈએ.
આ બેઠકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, તૃણમૂલ કોંગ્રેસના અભિષેક બેનર્જી, રાજ્યસભાના અપક્ષ સાંસદ કપિલ સિબ્બલ, આરજેડી (RJD)ના અભય કુમાર સિંહ અને મનોજ ઝા, સીપીઆઈ (CPI)ના પી. સંતોષ કુમાર, આઈયુએમએલ (IUML)ના ઈ.ટી. મોહમ્મદ બશીર અને આરએસપી (RSP)ના એન.કે. પ્રેમચંદ્રન સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, કોંગ્રેસના મહાસચિવો જયરામ રમેશ, પ્રિયંકા ગાંધી વાડ્રા અને કે.સી. વેણુગોપાલ પણ હાજર હતા. એનસીપી શરદ પવાર, ડીએમકે (DMK), આપ (AAP) અને બીજેડી (BJD) ને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેઓ આ બેઠકથી દૂર રહ્યા હતા.
