જામનગર તાલુકાના હરિપર ગામના ખેડૂતો દ્વારા વીજલાઈનો નાખવા માટે જમીન સંપાદન અને તેના વળતરના મુદ્દે વિરોધનું રણશિંગું ફૂંકવામાં આવ્યું છે. ખેડૂતોની વારંવારની રજૂઆતો છતાં પ્રશ્નોનો ઉકેલ નહીં આવતાં ખેડૂતોમાં અસંતોષ ફેલાયો છે. આ મામલે હરિપર ગ્રામ પંચાયતના નેજા હેઠળ ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી જમીનના યોગ્ય બજારભાવ મુજબ વળતર ચૂકવવા અને અન્યાય અટકાવવા માંગણી કરી છે.
ખેડૂતોના આક્ષેપ મુજબ, વીજલાઈનો અને પાવર સ્ટેશન માટે જમીનના ભાવ નક્કી કરવાની પ્રક્રિયામાં અસરગ્રસ્ત ખેડૂતોને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. ખાનગી કંપનીના પ્રતિનિધિઓ દ્વારા કેટલાક ખેડૂતો સાથે ચર્ચા કરી એમઆરસી (માર્કેટ રેટ કમિટી)માં જમીનના ભાવ નક્કી કરવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, હાલ જમીનના વીઘા દીઠ રૂૂ. 53.50 લાખ જેટલા ભાવ નક્કી કરવામાં આવ્યા છે, જ્યારે વાસ્તવિક બજારભાવ તેનાથી ઘણો વધારે છે.
ખેડૂતોએ રજૂઆતમાં જણાવ્યું છે કે, હરિપર વિસ્તારમાં રોડ ટચ જમીન અને ફળદ્રુપ જમીનના ભાવ સામાન્ય ખેતીની જમીન કરતાં ઘણા ઊંચા છે. આવી જમીનના બજારભાવ વીઘા દીઠ રૂૂ. 90 લાખથી માંડી રૂૂ. 1.45 કરોડ સુધી હોવાનો ખેડૂતોનો દાવો છે
. ત્યારે સમગ્ર લાઇન માટે એકસરખો ભાવ નક્કી કરવામાં આવે તો રોડ ટચ અને વધુ કિંમત ધરાવતી જમીનના માલિકોને મોટો અન્યાય થશે. આથી જમીનના સ્થળ, રોડની નજીકતા, ફળદ્રુપતા અને વાસ્તવિક બજારકિંમતના આધારે અલગ-અલગ મૂલ્યાંકન કરવાની માંગણી કરવામાં આવી છે.
આવેદનપત્રમાં ખેડૂતોને ધમકાવવા અને લાલચ આપીને સંમતિ મેળવવાના પ્રયાસો થતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. અંતમાં ખેડૂતોએ જામનગર જિલ્લામાં એમઆરસી કમિટીની રચના ન કરવાની, અસરગ્રસ્ત ખેડૂતોને વિશ્વાસમાં લઈને જમીનના વાસ્તવિક બજારભાવ મુજબ વળતર નક્કી કરવાની તેમજ રોડ ટચ અને ફળદ્રુપ જમીનનું અલગ મૂલ્યાંકન કરવાની માંગણી કરી છે.
