પરિક્રમાના 36 કિ.મી.ના રૂટ ઉપર પાન-માવાના રેપર, કચરાના ઢગલા

જૂનાગઢની પવિત્ર લીલી પરિક્રમામાં લાખો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો, પરંતુ શ્રદ્ધા અને આસ્થાની આ યાત્રા પૂર્ણ થયા બાદ ગિરનારના જંગલમાં પ્લાસ્ટિકના કચરાનું મોટું પ્રદૂષણ જોવા…

જૂનાગઢની પવિત્ર લીલી પરિક્રમામાં લાખો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો, પરંતુ શ્રદ્ધા અને આસ્થાની આ યાત્રા પૂર્ણ થયા બાદ ગિરનારના જંગલમાં પ્લાસ્ટિકના કચરાનું મોટું પ્રદૂષણ જોવા મળ્યું છે. વનવિભાગ દ્વારા પ્રવેશદ્વારો પર કડક ચેકિંગ અને પ્લાસ્ટિક રોકવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં 36 કિલોમીટરના પરિક્રમા રૂૂટ પર સૌથી વધુ કચરો તમાકુના માવાના પ્લાસ્ટિકના રેપરનો જોવા મળ્યો છે. હવે જંગલને સ્વચ્છ બનાવવા વનવિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સતત 8 દિવસ સુધી સફાઈ અભિયાન શરૂ કરાયું છે.

ગિરનારના કુદરતી સૌંદર્ય અને વન્યજીવોના રક્ષણ માટે આ વર્ષે વનવિભાગ દ્વારા પરિક્રમાના તમામ પ્રવેશદ્વારો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. યાત્રિકો પ્લાસ્ટિકની થેલીઓ જંગલમાં ન લઈ જાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી. આ ઉપરાંત, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને એનજીઓ દ્વારા યાત્રિકો પાસેથી પ્લાસ્ટિકની થેલીઓ લઈ તેની જગ્યાએ વિનામૂલ્યે ઈકો-ફ્રેન્ડલી કાપડની બેગનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રયાસોને કારણે ગત વર્ષની સરખામણીએ મોટા પ્લાસ્ટિકના કચરામાં ઘટાડો નોંધાયો છે.

જોકે, તમાકુના માવાના નાના પ્લાસ્ટિકના રેપર સૌથી મોટી સમસ્યા બનીને સામે આવ્યા છે. કદમાં નાના હોવાથી આ રેપર ચેકિંગ દરમિયાન નજર ચૂકવીને જંગલમાં લઈ જવાયા હતા. પરિણામે પરિક્રમાના 36 કિલોમીટરના રૂૂટ પર ઠેરઠેર માવાના પ્લાસ્ટિકના કાગળો જોવા મળ્યા હતા.લીલી પરિક્રમા માત્ર ધાર્મિક આસ્થાનો વિષય નથી, પરંતુ ગિરનારની કુદરતી સંપત્તિ અને જૈવવિવિધતા સાથે પણ જોડાયેલી છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગિરનારની પરિક્રમા કરવા આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *