મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ 2027ની વિધાનસભા ચૂંટણી યોજવા માટે ગુજરાત સરકાર પાસે રૂૂ. 477 કરોડની માંગણી કરી છે. ચૂંટણી દરમિયાન દેખરેખ (સર્વેલન્સ) વધારવાની યોજના અને અન્ય નવી વ્યવસ્થાઓને ધ્યાનમાં લેતા, વાસ્તવિક ખર્ચ રૂૂ. 500 કરોડને વટાવી જવાની શક્યતા છે.
આ પ્રસ્તાવિત ખર્ચ, 2022ની વિધાનસભા ચૂંટણી માટે રાજ્ય સરકારે ફાળવેલા રૂૂ. 387 કરોડની સરખામણીમાં 23%નો વધારો દર્શાવે છે. આ નવા બજેટ અંદાજમાં ’લાઇવ વેબકાસ્ટિંગ’ના વ્યાપમાં મોટો વધારો કરવા ઉપરાંત, દેખરેખ મજબૂત કરવા અને મતદારોની સુવિધામાં સુધારો કરવા માટેની અન્ય ચૂંટણી-સંબંધિત વ્યવસ્થાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એક ઉચ્ચ સ્તરીય સૂત્રએ જણાવ્યું હતું કે, લાઇવ વેબકાસ્ટિંગ અને અન્ય ખર્ચાઓનો અંદાજ કાઢવામાં આવ્યો છે, જેના આધારે ચૂંટણી યોજવાનો અંદાજિત ખર્ચ રૂૂ. 477 કરોડ થાય છે. જોકે, વાસ્તવિક રકમ તેનાથી પણ વધુ હોઈ શકે છે.
2017ની વિધાનસભા ચૂંટણી માટે રૂૂ. 250 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ વાસ્તવિક ખર્ચ રૂૂ. 326 કરોડ થયો હતો. તેવી જ રીતે, 2012ની વિધાનસભા ચૂંટણીમાં રૂૂ. 175 કરોડ ચૂંટણી ખર્ચ માટે ફાળવવામાં આવ્યા હતા, પરંતુ વાસ્તવિક ખર્ચ ફાળવેલી રકમ કરતાં વધુ હતો.
આ પ્રસ્તાવોમાં સૌથી મહત્વપૂર્ણ પ્રસ્તાવ રાજ્યભરના 100% મતદાન મથકો પરથી ’લાઇવ વેબકાસ્ટિંગ’ કરવાનો છે. અગાઉની ચૂંટણીઓમાં માત્ર પસંદગીના મતદાન મથકો પર જ આવી વ્યવસ્થા કરવામાં આવતી હતી, તેના બદલે હવે તમામ મથકોને આવરી લેવામાં આવશે.
એક સૂત્રએ કહ્યું, અત્યાર સુધી, કોઈપણ વિધાનસભા મતવિસ્તારના આશરે 255 મતદાન મથકોને રેન્ડમલી (યાદચ્છિક રીતે) પસંદ કરીને ત્યાં લાઇવ વેબકાસ્ટિંગ કરવામાં આવતું હતું. આ વખતે, અમારો ઈરાદો દરેક મતદાન મથક પરથી લાઇવ વેબકાસ્ટિંગ કરવાનો છે. આનાથી ગેરરીતિઓ પર અસરકારક રીતે દેખરેખ રાખવામાં મદદ મળશે.
2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ગુજરાતમાં 51,839 મતદાન મથકો હતા. જો આ પ્રસ્તાવનો અમલ કરવામાં આવે, તો 2027ની ચૂંટણી દરમિયાન દરેક મતદાન મથક ’લાઇવ મોનિટરિંગ’ (સીધી દેખરેખ) હેઠળ આવી જશે. ચૂંટણી તંત્ર મતદારો માટે મતદાન મથકની બહાર તેમના મોબાઈલ ફોન સુરક્ષિત રીતે જમા કરાવવાની સુવિધા આપવાનું આયોજન કરી રહ્યું છે. આ વ્યવસ્થાનો ઉદ્દેશ્ય મતદારોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવાનો છે.
મોબાઇલ ફોન મતદાન મથકની બહાર જમા કરાવવાની વ્યવસ્થા
એક સૂત્રએ જણાવ્યું હતું કે, પ્રથમ વખત એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે કે જેમાં મતદારો મતદાન મથકની બહાર સુરક્ષિત જગ્યાએ તેમના મોબાઈલ ફોન જમા કરાવી શકે. આ અંગે અમને પ્રતિસાદ મળ્યો હતો. અત્યાર સુધી એવી કોઈ વ્યવસ્થા નહોતી કે જેમાં એકલા આવતા મતદારો તેમના મોબાઈલ ફોન કે અન્ય કિંમતી વસ્તુઓ સુરક્ષિત રીતે જમા કરાવી શકે. મતદાન મથકની અંદર મોબાઈલ ફોન લઈ જવાની મંજૂરી નથી. આ પ્રસ્તાવિત વ્યવસ્થાનો હેતુ એ છે કે મતદારો મતદાન મથકમાં પ્રવેશતા પહેલા તેમના ઉપકરણોને સુરક્ષિત રીતે બહાર મૂકી શકે.
