હરિયાણાના રોહતકમાં મિલન ઢાબા પર થયેલા ચાર યુવકોના સામૂહિક હત્યાકાંડમાં હવે ગેંગવૉરનું મોટું પાસું સામે આવ્યું છે. મોડી રાત્રે ઢાબા પર જમવા બેઠેલા યુવકો પર સ્વિફ્ટ કારમાં આવેલા પાંચ હથિયારધારી હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જેમાં ચાર યુવકોનાં કરુણ મોત નીપજ્યાં હતાં. હવે આ હત્યાકાંડની જવાબદારી કુખ્યાત હિમાંશુ ભાઉ ગેંગે સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે સ્વીકારી હોવાનો દાવો સામે આવ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટમાં આ હત્યાઓને રોહિત ઉર્ફે બજરંગ અને સોનુ દિઘલની હત્યાનો બદલો ગણાવવામાં આવ્યો છે. પોસ્ટમાં વિરોધી ગેંગને ખુલ્લી ધમકી આપતાં આગામી દિવસોમાં પણ હુમલા કરવાની ચેતવણી આપવામાં આવી છે. એટલું જ નહીં, પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હજુ હિસાબ બાકી છે અને આગામી સમયમાં અન્ય લોકોને પણ નિશાન બનાવવામાં આવી શકે છે.
પોસ્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગેંગ સોશિયલ મીડિયા પર જવાબ આપતી નથી, પરંતુ અખબારોની હેડલાઇન્સ દ્વારા જવાબ આપે છે. જોકે, આ વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલા દાવાઓની પોલીસ દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
વિરોધી જૂથના સભ્યોને સંબોધતા, પોસ્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે કોઈના વાહનમાં બેસતા પહેલા બે વાર વિચારવું જોઈએ અને કોની સાથે કોની દુશ્મની છે તેની તપાસ કરી લેવી જોઈએ. એક ચોક્કસ પ્રતિસ્પર્ધીને નિશાન બનાવતા, ગેંગે ચેતવણી આપી છે કે થોડા સમય માટે છુપાઈ જવાથી કે ભૂગર્ભમાં જતા રહેવાથી તેનો જીવ બચી શકશે નહીં.
બીજી તરફ, પ્રાથમિક વિગતો અનુસાર, રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ પાંચ હુમલાખોરો સ્વિફ્ટ કારમાં મિલન ઢાબા પર પહોંચ્યા હતા. ત્યાં જમતા યુવકો પર કોઈ પણ પ્રકારની વાતચીત કર્યા વિના ગોળીબાર શરૂ કરી દીધો હતો. ત્રણ યુવકોનાં જમવાના ટેબલ પર જ મોત થયાં હતાં, જ્યારે જીવ બચાવીને ભાગી રહેલા ચોથા યુવકનો પીછો કરીને તેની પણ હત્યા કરવામાં આવી હતી.
ચોંકાવનારી વાત એ છે કે હત્યાની આ સમગ્ર ઘટના ખરાવડ પોલીસ ચોકીથી માત્ર 50 ડગલાંના અંતરે જ બની હતી. પોલીસ ચોકીની આટલી નજીક થયેલા અંધાધૂંધ ફાયરિંગને પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી છે.તો.
હાલમાં પોલીસ હુમલાખોરોની ઓળખ, હત્યા પાછળનું ચોક્કસ કારણ અને ગેંગવૉરના કનેક્શનની તપાસ કરી રહી છે. જોકે, સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ અપાયેલી ધમકીઓ બાદ હવે પોલીસ આગામી સમયમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શું કાર્યવાહી કરે છે, તેના પર સૌની નજર છે.
