હોસ્પિટલોમાં બેદરકારી અને ઉઘાડી લૂંટ સામે જૂનાગઢના વકીલે ખોલ્યો મોરચો

  જૂનાગઢના હેમા એસ. શુક્લા દ્વારા ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના સચિવને સીપીસી કલમ 80 હેઠળ કાનૂની નોટિસ પાઠવી રાજ્યની સરકારી, અર્ધસરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ…

 

જૂનાગઢના હેમા એસ. શુક્લા દ્વારા ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના સચિવને સીપીસી કલમ 80 હેઠળ કાનૂની નોટિસ પાઠવી રાજ્યની સરકારી, અર્ધસરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ સાથે થતી કથિત બેદરકારી, ગેરરીતિઓ અને આર્થિક શોષણ સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. પોતાના ભાઈ નિરાગ શુક્લાનું 18 ઓક્ટોબર, 2026,ના રોજ અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં હૃદયના વાલ્વની સર્જરી અને સારવાર દરમિયાન થયેલા મૃત્યુ બાદ પરિવારને વિવિધ હોસ્પિટલોમાં થયેલા અનુભવોના આધારે આ નોટિસ આપવામાં આવી છે.નોટિસમાં અમદાવાદની યુ.એન.મહેતા, કે.ડી.અને સીમ્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સ્વચ્છતાના અભાવ, આઈ. સી.યુ.માં દર્દીના સગાંઓને મળવા પર કડક પ્રતિબંધ,દર્દીની સ્થિતિ અંગે પૂરતી માહિતી ન આપવી,બિનજરૂૂરી તપાસ અને સારવાર,દવાઓના ઊંચા ભાવ, બિલિંગમાં ગેરરીતિ,તથા નર્સિંગ સ્ટાફની લાયકાત અંગે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત દર્દીના મૃત્યુ બાદ બિલની વસૂલાત માટે મૃતદેહ સોંપવામાં વિલંબ, મેડિકલ ફાઈલ અને દસ્તાવેજો અટકાવી રાખવા તથા સગાંઓ પાસેથી સમજાવ્યા વિના સંખ્યાબંધ સહીઓ લેવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. નોટિસમાં સમગ્ર ગુજરાતની મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલોના બિલ્ડિંગ ખર્ચ, ઓડિટ, ડોક્ટરો અને સ્ટાફની લાયકાત, દવાઓના ભાવ, વીમા કંપનીઓ સાથેના વ્યવહારો તથા સરકારી આરોગ્ય યોજનાઓના અમલી કરણની તપાસ કરવાની માગ કરાઈ છે. આઈ.સી.યુ.ના દર્દીઓ માટે મુલાકાતની સુવિધા, સગાંઓને દર્દીની સ્થિતિની માહિતી, સીસીટીવી અને મોનિટરિંગ વ્યવસ્થા તથા 24 કલાક ફરિયાદ નિવારણ માટે અધિકારીઓની નિમણૂક કરવાની પણ માગ કરવામાં આવી છે.

આરોગ્ય સેવાઓમાં પારદર્શિતા, દર્દીઓના બંધારણીય અધિકારોનું રક્ષણ અને હોસ્પિટલોમાં થતી કથિત ગેરરીતિઓ અટકાવવા તાત્કાલિક પગલાં નહીં લેવાય તો જવાબદાર તંત્ર અને સંબંધિત હોસ્પિટલો સામે સિવિલ તથા ફોજદારી કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી નોટિસમાં આપવામાં આવી છે. નોટિસની નકલો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, પોલીસ કમિશનર સહિત સંબંધિત હોસ્પિટલોને પણ મોકલવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *