નંબર પ્લેટ વગરના વાહનોને પેટ્રોલ આપવું ભારે પડ્યું; 7 પંપ સંચાલકો સહિત 12 સામે ગુનો!

શહેરમાં અસામાજિક તત્વો દ્વારા નંબર પ્લેટ વગરના વાહનોનો ઉપયોગ કરીને આચરવામાં આવતી ગેરરીતિઓ અને ગુનાખોરીને અટકાવવા માટે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર…

શહેરમાં અસામાજિક તત્વો દ્વારા નંબર પ્લેટ વગરના વાહનોનો ઉપયોગ કરીને આચરવામાં આવતી ગેરરીતિઓ અને ગુનાખોરીને અટકાવવા માટે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામા મુજબ નંબર પ્લેટ વગરના વાહનોમાં ઈંધણ પૂરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, આ નિયમનો ખુલ્લેઆમ ભંગ થતો હોવાનું સામે આવતા પોલીસે લાલ આંખ કરી છે અને શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા આઠ પેટ્રોલ પંપ પર તપાસ હાથ ધરીને કુલ 12 શખ્સો સામે 7 જેટલા ગુના દાખલ કર્યા છે.

પોલીસ કમિશનરના જાહેરનામાની કડક અમલવારી કરાવવા માટે રાજકોટ પોલીસે ખાસ ઝુંબેશ શરૂૂ કરી છે. આ તપાસ દરમિયાન નંબર પ્લેટ વગરના ટુ-વ્હીલરમાં પેટ્રોલ પૂરી આપનાર ફિલરમેન, પંપના સંચાલકો તેમજ નિયમ વિરુદ્ધ પેટ્રોલ ભરાવનાર વાહનચાલકોની ઓળખ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં કુલ 6 ફિલરમેન, પંપના મેનેજર, સંચાલક અને 5 વાહનચાલકો સહિત 12 લોકો સામે કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે.

કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલની સામે આવેલા સૂર્યા સેલ પેટ્રોલ પંપમાં મહિલાને નંબર પ્લેટ વગરના ટુ-વ્હીલરમાં પેટ્રોલ પૂરી આપવા બદલ પંપના મેનેજર કિશોર રાણાભાઈ ગઢવી (ઉ.વ. 48, રહે. ગંગોત્રી પાર્ક) સામે તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે.જ્યારે કાલાવડ રોડ આત્મીય કોલેજની સામે ગિરિરાજ પેટ્રોલ પંપ(ઇન્ડિયન ઓઇલ)માં પેટ્રોલ પુરી આપનાર ફિલરમેન નરેશ લખમણ સિલું(રહે.દેવપરા શેરી.05,ભારતીનગર શેરી.8) અને સ્કૂટર ચાલક ઉદય ભરતગિરી ગૌસ્વામી(રહે.મેટોડા) વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

નાનામૌવા રોડ આરએમસી-2 પાસે આવેલા એચ.પી. કંપનીના પેટ્રોલ પંપમાં નંબર પ્લેટ વગરના બાઈકમાં પેટ્રોલ પૂરી આપવા બદલ સંચાલક વિવેક ચૌધરી અને બાઈક ચાલક કાનો બહાદુરભાઈ સાડમીયા (ઉ.વ. 20, રહે. કણકોટ પાસે) સામે ગુનો દાખલ કરાયો છે.150 ફૂટ રોડ પર શિતલ પાર્ક પાસે આવેલા ન્યારા પેટ્રોલ પંપમાં નંબર વગરના બાઈકમાં રૂૂ. 100નું પેટ્રોલ પૂરી આપનાર ફિલરમેન અલ્તાફ મહેબુબભાઈ શેખ (ઉ.વ. 45, રહે. બજરંગવાડી) અને બાઈક ચાલક નિશીત રજનીકાંતભાઈ મહેતા (ઉ.વ. 34, રહે. મોરબી) સામે કાર્યવાહી કરવામાં આવી છે.

કોઠારીયા મેઈન રોડ પર મારવેલ ફ્યુલ નામના આઈઓસી કંપનીના પંપમાં નંબર વગરના એક્ટીવામાં પેટ્રોલ પૂરનાર ફિલરમેન અલ્લારખા હુસેનભાઈ બ્લોચ (ઉ.વ. 55, રહે. દૂધસાગર રોડ) અને ચાલક કિરણ થોભણભાઈ મુંધવા (રહે. મચ્છોનગર) સામે ગુનો નોંધાયો છે. આ ઉપરાંત, કોઠારીયા રોડ પર જ આવેલા ભારત ઓઈલ કંપનીના પંપમાં નંબર વગરના બાઈકમાં પેટ્રોલ પૂરી આપનાર ફિલરમેન બીપીન દેવરાજભાઈ બોરીસાગર (ઉ.વ. 51, રહે. વાવડી) અને ચાલક વિપુલ સવજીભાઈ સોરઠિયા (ઉ.વ. 44, રહે. મવડી) સામે પણ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

આજી ડેમ ચોકડી પાસે આવેલા કોટેશ્વર ઓટો સેન્ટર પેટ્રોલ પંપના ફિલરમેન ભરતપ્રસાદ ભગવાનજી મિશ્રા તેમજ સરધારમાં ખારચિયા રોડ પર આવેલા બીપીસીએલ કંપનીના પેટ્રોલ પંપના ફિલરમેન મહેન્દ્ર જેન્તીભાઈ જોષી સામે નંબર વગરના બાઈકમાં પેટ્રોલ પૂરી આપવા બદલ આજી ડેમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસની આ કડક કાર્યવાહીથી નિયમોનો ભંગ કરતા પેટ્રોલ પંપ સંચાલકો અને નંબર પ્લેટ વગર વાહન ચલાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *