ગુજરાત પોલીસ ભરતીમાં મોટો વધારો : 3,000ની જગ્યાએ હવે 12,993 જગ્યાઓ પર સીધી ભરતી, જાણો કઈ કેટેગરીમાં કેટલી જગ્યા

ગુજરાત પોલીસમાં સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતીમાં જગ્યાઓનો મોટો વધારો કરવામાં આવ્યો છે.…

ગુજરાત પોલીસમાં સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતીમાં જગ્યાઓનો મોટો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ લોકરક્ષક કેડરની 3 હજાર જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં હવે 9,752 જગ્યાઓનો વધારો કરવામાં આવ્યો છે. આમ, લોકરક્ષક કેડરમાં કુલ 12,752 જગ્યાઓ પર ભરતી થશે. જ્યારે PSI કેડરની 241 જગ્યાઓ પણ ભરવામાં આવશે. એટલે કે ગુજરાત પોલીસમાં કુલ 12,993 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 20 નવેમ્બર 2026ના રોજ લોકરક્ષક કેડરની ભરતી અંગે જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ગૃહ વિભાગ દ્વારા વધારાની જગ્યાઓને મંજૂરી આપવામાં આવતા 23 નવેમ્બરના રોજ સુધારેલી જગ્યાઓની વિગતો જાહેર કરવામાં આવી છે. લોકરક્ષક કેડરની અગાઉની 3 હજાર જગ્યાઓ વધારીને હવે 12,752 કરવામાં આવી છે. આમ, પોલીસમાં જોડાવા ઇચ્છતા યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની મોટી તક ઊભી થઈ છે.

લોકરક્ષક કેડરની સાથે PSI કેડરમાં પણ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB/202627/4 મુજબ PSI કેડરની કુલ 241 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલો હોવો જરૂરી છે. ઉમેદવારો પાસેથી માત્ર ઓનલાઇન માધ્યમથી જ અરજીઓ સ્વીકારવામાં આવશે.

લોકરક્ષક કેડરની ભરતી માટે ઉમેદવારો 26 નવેમ્બર 2026ના રોજ બપોરે 2 વાગ્યાથી ઓનલાઇન અરજી કરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 16 ડિસેમ્બર 2026 રાત્રે 11:59 વાગ્યા સુધી રહેશે. ઉમેદવારોએ OJASની સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર જઈને અરજી કરવાની રહેશે.

ભરતીને લગતી લાયકાત, વયમર્યાદા, સંવર્ગવાર જગ્યાઓ અને અન્ય જરૂરી સૂચનાઓ માટે ઉમેદવારોએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તથા OJASની સત્તાવાર વેબસાઇટ પર નજર રાખવી જરૂરી છે. ગુજરાત પોલીસમાં કુલ 12,993 જગ્યાઓની આ ભરતી યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની મોટી તક બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *