સંકલ્પ નશામુક્ત રાજકોટ, નશામુક્ત ગુજરાત અભિયાનને વેગ આપવા માટે રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) ની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના અધ્યક્ષસ્થાને તા. 22/11ના રોજ એક દિવસીય વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS) એક્ટ હેઠળના કેસોના ડિટેક્શન, ઇન્વેસ્ટિગેશન તથા કન્વિકશન (સજા) ના દરમાં વધારો કરવાના ઉદ્દેશ્યથી આ સેમિનાર યોજાયો હતો, જેમાં જિલ્લાના 24 પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓ, પી.એસ.આઈ., રાઇટરો અને ડી-સ્ટાફ સહિત કુલ 250 જેટલા અધિકારી-કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
આ તાલીમ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા એડવોકેટ ભગીરથસિંહ ડોડીયાએ તપાસ અધિકારીઓને કાયદાકીય બારીકીઓથી વાકેફ કર્યા હતા. તેમણે એન.ડી.પી.એસ. એક્ટની મહત્વની જોગવાઈઓ, રેઇડ તથા સર્ચની કાયદેસરની કાર્યવાહી, મુદ્દામાલ જપ્તી અને સેમ્પલિંગની ચોક્કસ પ્રક્રિયા, પંચનામું, ચેઇન ઓફ કસ્ટડી, એફ.એસ.એલ. (FSL) રિપોર્ટ તેમજ ચાર્જશીટ દાખલ કરતી વખતે રાખવાની તકેદારી અંગે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. તપાસમાં રહી જતી નાની ક્ષતિઓનો લાભ લઈ આરોપીઓ નામદાર કોર્ટમાંથી નિર્દોષ છૂટી ન જાય અને મહત્તમ કેસોમાં કડક સજા થાય તે માટે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું તે અંગે ઉદાહરણો સાથે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, નાર્કોટિક્સ ડ્રગ્સનું દૂષણ યુવાધન અને સમાજના ભવિષ્ય માટે અત્યંત ગંભીર ખતરો છે. તેને જડમૂળથી નાબૂદ કરવા દરેક પોલીસ સ્ટેશને સતર્ક રહી બાતમીદારોનું નેટવર્ક મજબૂત બનાવવું પડશે. હવેથી જિલ્લામાં ડ્રગ્સના નેટવર્કને તોડવા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW), સ્થાનિક પોલીસ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમો સંયુક્ત સંકલનમાં રહી કામગીરી કરશે. ખાસ કરીને સાયબર ક્રાઇમની ટીમ દ્વારા મોબાઇલ, સોશિયલ મીડિયા અને ઓનલાઇન નાણાકીય વ્યવહારોનું ટેકનિકલ એનાલિસિસ કરીને ડ્રગ્સ સપ્લાય કરતી સમગ્ર ચેઇનના મૂળ સુધી પહોંચવામાં આવશે. રાજ્યના પોલીસ મહાનિદેશક દ્વારા ચલાવવામાં આવી રહેલી રાજ્યવ્યાપી ઝુંબેશ અંતર્ગત દરેક જિલ્લામાં ફક્ત એન.ડી.પી.એસ. ગુનાઓ માટે ‘એન્ટી નાર્કોટિક્સ વિંગ’ ની રચના કરાઈ છે, જે ડ્રગ્સ પેડલરો અને હોટસ્પોટ પર સતત વોચ રાખે છે. ઓછા જથ્થાના કેસોમાં પણ ’ઝીરો ટોલરન્સ’ અપનાવી રીઢા ગુનેગારો વિરુદ્ધ PIT-NDPS હેઠળ અટકાયતી પગલાં લેવા સૂચના અપાઈ છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત પોલીસે 3,700 થી વધુ કેસો નોંધી 5,300 થી વધુ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને અંદાજે રૂૂ. 13,600 કરોડથી વધુનું ડ્રગ્સ યુવાધન સુધી પહોંચતું અટકાવ્યું છે. આ તાલીમમાં જસદણ ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક નવીન ચક્રવર્તી (IPS), નાયબ પોલીસ અધિક્ષક વી. જે. વ્યાસ (મુખ્ય મથક), કે. જી. ઝાલા (ગોંડલ), આર. એ. ડોડીયા (જેતપુર) અને શ્રીજીતા પટેલ (એસ.સી./એસ.ટી. સેલ) સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં શાળા-કોલેજોમાં પણ જનજાગૃતિ કાર્યક્રમો વેગવંતા બનાવાશે.
