અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાળા ગામે GSPLની ગેસ પાઇપલાઇનના વળતરની માંગ સાથે ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાન પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે થયેલી હિંસક અથડામણના કેસમાં કોર્ટે સાત આરોપીઓના ચાર દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
‘આપ’ના આગેવાન બ્રિજરાજ સોલંકી સહિતના સાત આરોપીઓને બાવળા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તમામ આરોપીઓને 26 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાની મંજૂરી આપી છે.
સરગવાળા ગામની સીમમાંથી પસાર થતી GSPLની ગેસ પાઇપલાઇનના વળતરને લઈને સ્થાનિક ખેડૂતો પાંચ દિવસથી વધુ સમયથી વિરોધ કરી રહ્યા હતા. ખેડૂતોની માગણી હતી કે પાઇપલાઇનના કામને કારણે અસરગ્રસ્ત જમીન માટે યોગ્ય વળતર આપવામાં આવે. આંદોલન દરમિયાન બ્રિજરાજ સોલંકી વિરોધ સ્થળે પહોંચ્યા હતા. અહેવાલ મુજબ, તેમણે ખેડૂતો સાથે મળીને પાઇપલાઇન નાખવા માટે ખોદવામાં આવેલી ગટરમાં માટી પુરવાની કામગીરી શરૂૂ કરી હતી. આ કામગીરી અટકાવવા પોલીસ સ્થળ પર પહોંચી હતી, જેને પગલે બંને પક્ષો વચ્ચે બોલાચાલી અને તણાવ વધ્યો હતો.
પોલીસે બ્રિજરાજ સોલંકીને અટકાયતમાં લેતાં સ્થળ પર એકત્ર થયેલા લોકોમાં રોષ ફેલાયો હતો. ત્યારબાદ પોલીસ, આંદોલનકારીઓ અને કંપનીના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન કોદાળી, પાવડા અને પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો પોલીસનો આક્ષેપ છે. ઘટનામાં પોલીસ જવાનોને ઇજા પહોંચી હતી. અહેવાલ મુજબ, કેટલાક ખેડૂતો પણ ઘાયલ થયા હતા. આ ઉપરાંત કંપની અને પોલીસનાં વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં તંગદિલી ફેલાઈ હતી અને પોલીસ તંત્રએ સ્થિતિ કાબૂમાં લેવા કાર્યવાહી કરી હતી.
ઘટના બાદ કોઠ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (ઇગજ)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદમાં હત્યાનો પ્રયાસ, ગેરકાયદેસર મંડળી રચવી, ઘાતક હથિયારો સાથે તોફાન કરવું, સરકારી કર્મચારીઓની ફરજમાં અડચણ ઊભી કરવી અને તેમને ઇજા પહોંચાડવા સહિતના ગંભીર આક્ષેપોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં બ્રિજરાજ સોલંકી સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરી હતી. તપાસના ભાગરૂૂપે તમામને બાવળા કોર્ટમાં રજૂ કરીને વધુ પૂછપરછ માટે રિમાન્ડની માગણી કરવામાં આવી હતી.
