રા.લો.સંઘના ચેરમેનના સુકાનીઓની ચૂંટણી મામલે ભાજપ મહામંત્રીની પ્રદેશ ઉપર ખો

રાલોસંઘમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગીને લઈને ચાલી રહેલી રાજકીય ચર્ચાઓ તેમજ ભાજપમાં આંતરિક જૂથવાદની અટકળો વચ્ચે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી ડો. પ્રશાંતભાઈ કોરાટે મહત્વપૂર્ણ…

રાલોસંઘમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગીને લઈને ચાલી રહેલી રાજકીય ચર્ચાઓ તેમજ ભાજપમાં આંતરિક જૂથવાદની અટકળો વચ્ચે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી ડો. પ્રશાંતભાઈ કોરાટે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે રાલોસંઘમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર 15માંથી 13 ઉમેદવારો વિજયી થયા છે અને હાલ ચૂંટણી તથા પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. પ્રદેશ નેતૃત્વ યોગ્ય સમયે નિર્ણય લઈને ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી કરશે.

દરમિયાન, રાલોસંઘના રાજકીય સમીકરણોમાં પોતાનું નામ જોડવામાં આવી રહ્યું છે તેમજ પોતાની સામે અન્ય જૂથ હોવાની ચર્ચાઓ અંગે પૂછવામાં આવતાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમનું બેઝ રાજકોટ અને સૌરાષ્ટ્ર છે, જ્યારે હાલમાં તેમનું કાર્યક્ષેત્ર દક્ષિણ ગુજરાત છે. તેમણે ભાજપના આંતરિક સંગઠન અંગે વાત કરતાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એક છે. પક્ષનો વ્યાપ વધે અને ભાજપને વધુમાં વધુ વિજય મળે તે માટે તમામ કાર્યકર્તાઓ સાથે મળીને કામ કરી રહ્યા છે.

રાલોસંઘમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી બાદ ભાજપના ચૂંટાયેલા સભ્યોમાં બળવાની શક્યતા છે કે કેમ તેવા સવાલ પર ડો. પ્રશાંતભાઈ કોરાટે જણાવ્યું હતું કે પાર્ટીમાં આ પ્રકારની કોઈ જોગવાઈ નથી. ભાજપના શિસ્તબદ્ધ કાર્યકર્તાઓ ચૂંટાઈને આવ્યા છે અને પક્ષની શિસ્ત પ્રમાણે જ તમામ કામગીરી કરવામાં આવશે. તેમણે બળવાની શક્યતાને નકારી કાઢતાં જણાવ્યું હતું કે આવો કોઈ પ્રયત્ન કરવામાં આવશે નહીં.
તેમના આ નિવેદનને રાલોસંઘમાં ચાલી રહેલી રાજકીય અટકળો વચ્ચે પક્ષની એકતા અને સંગઠનાત્મક શિસ્ત પર ભાર મૂકવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગીનો અંતિમ નિર્ણય પ્રદેશ નેતૃત્વ દ્વારા લેવામાં આવશે તેમ પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *