દોઢ લાખ ભાવિકોએ પરિક્રમા પૂરી કરી, ત્રણ લાખ હજુ રૂટમાં

જુનાગઢનાં પવિત્ર ગિરનાર પર્વતની પાંચ દિવસની લીલી પરિક્રમાનો ગઇકાલે શુક્રવારે ભાવિકોના ભારે ધસારાના કારણે 18 કલાક વહેલો પ્રારંભ કરાયા બાદ એકાદશીની મધરાત્રે પરિક્રમાના પ્રારંભની વિધિ…

જુનાગઢનાં પવિત્ર ગિરનાર પર્વતની પાંચ દિવસની લીલી પરિક્રમાનો ગઇકાલે શુક્રવારે ભાવિકોના ભારે ધસારાના કારણે 18 કલાક વહેલો પ્રારંભ કરાયા બાદ એકાદશીની મધરાત્રે પરિક્રમાના પ્રારંભની વિધિ પુર્ણ કરવામાં આવી હતી. જો કે, આજે સવાર સુધીમાં લગભગ દોઢેક લાખ યાત્રાળુઓેએ પરિક્રમા પુરી કરી લીધી હતી અને બેથી ત્રણ લાખ જેટલા ભાવિકો પરિક્રમાના રૂટમાં હોવાનું જાણવા મળે છે. દરમિયાન શનિ-રવિની રજાના કારણે બે દિવસમાં પાંચેક લાખ ભાવિકો ઉમટી પડવાનો અંદાજ હોય, વહિવટીતંત્ર દ્વારા ભીડને પહોંચી વળવા તૈયારી કરવામાં આવી છે.

ગતરાત્રે બરાબર 12 વાગ્યે સાધુ-સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં રિબીન કાપી, શ્રીફળ અર્પણ કરી તેમજ ભગવાન દત્તાત્રેયની પૂજા-અર્ચના સાથે પરિક્રમાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે હર હર મહાદેવ અને જય ગિરનારીના ગગનભેદી નાદથી સમગ્ર ભવનાથ ધામ અને ગિરનાર પર્વત ગુંજી ઉઠ્યો હતો.

ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન ગિરનારની 36 કિલોમીટર લાંબી લીલી પરિક્રમામાં દેશના વિવિધ રાજ્યોમાંથી તેમજ વિદેશથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. પરંપરાગત રીતે યોજાતી આ પરિક્રમામાં લાખો શ્રદ્ધાળુઓ ગિરનારના પવિત્ર જંગલ માર્ગે પગપાળા યાત્રા કરી ધન્યતા અનુભવી રહ્યા છે. પરિક્રમા દરમિયાન શ્રદ્ધા સાથે માનવસેવાનો પણ અનોખો માહોલ જોવા મળી રહ્યો છે.

વિવિધ સેવાભાવી સંસ્થાઓ, ધાર્મિક સંગઠનો અને અન્નક્ષેત્રો દ્વારા પરિક્રમાના માર્ગ પર શ્રદ્ધાળુઓ માટે ચા, પાણી, નાસ્તો અને ભોજન પ્રસાદીની નિ:શુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે. અનેક સેવાભાવી લોકો દિવસ-રાત ખડેપગે રહીને શ્રદ્ધાળુઓની સેવા કરી રહ્યા છે. નોંધનીય છે કે આ વર્ષે પરિક્રમામાં શ્રદ્ધાળુઓની અભૂતપૂર્વ ભીડ જોવા મળી છે. વિધિવત પ્રારંભ થાય તે પહેલાં જ ઇટવા ગેટ પાસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્રિત થઈ ગયા હતા. ભીડના ભારે દબાણને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા નિર્ધારિત સમય કરતાં એક દિવસ વહેલા પરિક્રમાના દ્વાર ખોલવાની ફરજ પડી હતી. જેના પરિણામે અંદાજે એકથી દોઢ લાખ શ્રદ્ધાળુઓએ વિધિવત પ્રારંભ પહેલાં જ પરિક્રમા પૂર્ણ કરી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *