રાજકોટમાં 2374 બિલ્ડિંગ બની શકે છે અગનગોળો : ફાયર સેફ્ટીના છીંડા, નોટિસ ફટકારાઇ

રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ વિસ્તારમાં ફાયર સેફટીની ચકાસણી કરવા કામગીરી માટે ફાયર સર્વિસીઝ શાખાના સ્ટાફને સ્થળ તપાસ માટે મોકલવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી…

રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ વિસ્તારમાં ફાયર સેફટીની ચકાસણી કરવા કામગીરી માટે ફાયર સર્વિસીઝ શાખાના સ્ટાફને સ્થળ તપાસ માટે મોકલવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ સ્ટાફ દ્વારા શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં ફાયર એન.ઓ.સી. બાબતે કરાયેલી ચકાસણી દરમિયાન એક નાની એવી ચિંગારીથી પણ અગનગોળો બની તેવી દૂઘર્ટના સર્જાય શકે તેવી 2374 ઇમારતોમાં ફાયર સેફ્ટીની નાની-મોટી ક્ષતિઓ સામે આવી છે. આ તમામ ઇમારતોના જવાબદારોને મનપાએ ફરી નોટિસ ફટકારી હોવાનું ગઇકાલે મળેલા જનરલ બોર્ડમાં વોર્ડ નં.17ના ભાજપના નગરસેવક કૌશિક ટાંકે માગેલી માહિતીમાં સતાવાર રીતે સામે આવ્યુ છે.

ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલી ભયાનક આગ અને દુર્ઘટનાની કરુણતા આજે પણ શહેરીજનોના માનસપટ પર તાજી છે. આ ગોઝારી ઘટનાએ શહેરની સુરક્ષા વ્યવસ્થા સામે અનેક ગંભીર સવાલો ઊભા કર્યા હતા. શહેરમાં હજુ પણ આવી અનેક ઇમારતો અસ્તિત્વ ધરાવે છે કે જ્યાં પૂરતી ફાયર સેફ્ટી સુવિધાઓના અભાવે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. મહાનગરપાલિકાનું ફાયર બ્રિગેડ તંત્ર સમયાંતરે તપાસ અને ચેકિંગની કામગીરી હાથ ધરે છે, પરંતુ મહેકમની અછતને કારણે તંત્ર બુઠ્ઠી તલવાર સમાન બની જાય છે. પૂરતા સ્ટાફના અભાવે ફાયર બ્રિગેડ શાખા માટે શહેરની દરેક ઇમારત સુધી સમયસર પહોંચવું અને સતત દેખરેખ રાખવી મુશ્કેલ બની રહી છે.

આ તમામ પડકારો અને મર્યાદાઓ વચ્ચે પણ ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના ચેકિંગ સર્વે દરમિયાન જે ઇમારતોમાં ફાયર સેફ્ટીનો અભાવ અથવા ક્ષતિ જણાઈ આવી, તે તમામ મિલકતોને નિયમાનુસાર નોટિસ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી છે. ગઇકાલે મળેલા જનરલ બોર્ડની બેઠકમાં વોર્ડ નં. 17ના ભાજપના નગરસેવક કૌશિક ટાંકે મહત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ મહિનાથી અત્યાર સુધીના સમયગાળામાં શહેરમાં કેટલી ઇમારતોમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો અને શું કાર્યવાહી થઈ તેની સત્તાવાર વિગતો માંગી હતી. નગરસેવકના આ સવાલના સત્તાવાર જવાબમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે.

તંત્ર તરફથી રજૂ કરાયેલા આંકડા મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી અત્યાર સુધીમાં ફાયર સેફ્ટીને લગતી વિવિધ ક્ષતિઓ ધરાવતી હોય તેવી કુલ 2,374 બિલ્ડીંગોને નોટિસ પાઠવવામાં આવી છે. આટલી મોટી સંખ્યામાં ઇમારતોમાં સુરક્ષા સાધનોનો અભાવ કે ખામી હોવાનું સામે આવતા શહેરની સલામતી અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે.

‘એક્સપાયરી’ પૂરી થયા પછી 62 બિલ્ડિંગના જવાબદારોએ ફરી NOC લેવાની તસ્દી ન લીધી
દર ત્રણ વર્ષે ફાયર એનઓસી રિન્યુ કરાવવી પડે છે. રિન્યુ કરાવતી વખતે ફાયર બ્રિગેડનો સ્ટાફ ફરી જે તે સ્થળે જઇને ફીટ કરેલા ફાયરના સાધનો કામ કરે છે કે નહીં? તેની ચકાસણી કરે છે. ચાલુ નાણાકીય વર્ષ એપ્રિલ પછી હાથ ધરાયેલા ચેકીંગ દરમિયાન એવુ સામે આવ્યુ છે કે, 50થી વધુ માણસો એકત્ર થતા હોય તેવી 62 પ્રિમાઇસીસ એવી છે કે, જેમા ફાયર એન.ઓ.સી. એક્સપાયર થઇ ચુક્યુ છે.

કઇ કેટેગરીની કેટલી બિલ્ડિંગોને નોટિસ
મિલકતનો પ્રકાર નોટિસ
અસેમ્બલી 544
કોમર્શિયલ 519
એજ્યુકેશન 399
હોસ્પિટલ 44
કોમર્શિયલ + રેસી. 494
રિલીજીયસ 77
રેસીડેન્સીયલ 348
હેઝાર્ડિયસ 4
સ્ટોરેજ 15

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *