મહાનગરપાલિકામાં મહિલા સશક્તિકરણ અને મહિલા અનામતની મોટી-મોટી વાતો વચ્ચે ફરી એકવાર ‘પતિરાજ’ની ચર્ચાએ જોર પકડ્યું છે. મહાનગરપાલિકાના ચાલુ જનરલ બોર્ડ દરમિયાન વોર્ડ નંબર-12નાં મહિલા કોર્પોરેટર જયશ્રીબા જાડેજાને ટી.પી. સ્કીમ સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે મીડિયા ગેલેરીમાં બેઠેલા તેમના પતિ દશરથસિંહ જાડેજા મોબાઇલ ફોન મારફતે સતત માહિતી અને સૂચનાઓ આપતા હોવાનો વીડિયો સામે આવ્યો છે.
વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે, જનરલ બોર્ડની કાર્યવાહી દરમિયાન જયશ્રીબા જાડેજા પ્રશ્ન રજૂ કરી રહ્યાં હતાં ત્યારે પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા તેમના પતિ ફોન પર તેમની સાથે વાતચીત કરી રહ્યા હતા અને પ્રશ્નને લઈને જરૂૂરી માર્ગદર્શન આપી રહ્યા હતા. આ ઘટનાએ મહાનગરપાલિકાના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.
આ મામલે પતિ દશરથસિંહ જાડેજાને સવાલ કરવામાં આવતાં તેમણે એવો બચાવ કર્યો હતો કે, તેમની પત્ની પ્રથમ વખત કોર્પોરેટર બન્યાં છે અને તેમને હજુ પૂરતી માહિતી નથી. જોકે, આ ખુલાસા બાદ પણ ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિની ભૂમિકા અને તેમની કામગીરીમાં પતિની દખલગીરીને લઈને સવાલો ઊભા થયા છે.
જનતાએ પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરવા અને વિકાસનાં કામો માટે મહિલા કોર્પોરેટરને ચૂંટીને મહાનગરપાલિકામાં મોકલ્યાં છે. ત્યારે જનરલ બોર્ડ જેવી મહત્વપૂર્ણ બેઠકમાં પણ જો પ્રશ્ન પૂછવા માટે પતિની સૂચનાઓ પર આધાર રાખવો પડતો હોય તો મહિલા પ્રતિનિધિઓની સ્વતંત્ર કામગીરી સામે સવાલ ઊભા થાય તે સ્વાભાવિક છે.
