જૂનાગઢની ગિરનાર લીલી પરિક્રમાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દેશભરમાંથી પ્રવાસીઓ, સહેલાણીઓ અને યાત્રાળુઓનું આગમન શરૂૂ થઈ ગયું છે. બીજી તરફ બહારથી આવતા યાત્રાળુઓને માર્ગદર્શન પૂરું પાડતા શહેરના બેનરો જ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે.
મધુરમથી ભવનાથ જતા માર્ગ પર સ્વામિનારાયણ અક્ષર મંદિર પાસેનું બેનર, મોતીબાગ પાસેનું બેનર તેમજ કાળવા ચોકથી ભવનાથ જતા દાતાર પોલીસ લાઇન પાસેનું બેનર પણ જર્જરિત અને નમી ગયેલી હાલતમાં છે. પરિણામે પ્રથમ વખત જૂનાગઢ આવતા યાત્રાળુઓને કયા સ્થળે અને કયા માર્ગે જવું તેની યોગ્ય જાણકારી મળતી નથી અને મૂંઝવણનો સામનો કરવો પડે છે.
પરિક્રમામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડવાના છે ત્યારે મનપા દ્વારા પરિક્રમાના પ્રારંભ પહેલાં જર્જરિત બેનરોનું સમારકામ કરાવી તેની જગ્યાએ નવા અને સ્પષ્ટ દિશા દર્શાવતા માર્ગદર્શક બેનરો લગાવવામાં આવે તેવી માંગ ઊઠી છે.
