અંતે ખંભાળિયા પાલિકાના સફાઈ કર્મચારીઓની હડતાલ સમેટાઇ

ખંભાળિયા નગરપાલિકામાં નવા સફાઈ કામદારોની ભરતી સહિતના મુદ્દે આશરે એક માસથી ચાલી રહેલું આંદોલન કે જે છેલ્લા કેટલાક દિવસોથી વધુ ઉગ્ર બન્યું હતું. આ અંદોલનને…

ખંભાળિયા નગરપાલિકામાં નવા સફાઈ કામદારોની ભરતી સહિતના મુદ્દે આશરે એક માસથી ચાલી રહેલું આંદોલન કે જે છેલ્લા કેટલાક દિવસોથી વધુ ઉગ્ર બન્યું હતું. આ અંદોલનને ગતરાત્રે ધારાસભ્ય સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. જેમાં પાલિકામાં નવા સફાઈ કામદારોની ભરતી સહિતની માંગણીઓને સ્વીકારવામાં આવી છે.

ખંભાળિયા શહેરમાં સફાઈ કામદારોના વિવિધ પડતર પ્રશ્નો અને માંગણીઓના મુદ્દે ગત તારીખ 21 ઓક્ટોબરથી સફાઈ કામદારો દ્વારા નગરપાલિકા કચેરી નજીક ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂૂ કરવામાં આવ્યું હતું. સમય જતા આ આંદોલન વધુ તીવ્ર બન્યું હતું અને આમરણાંત ઉપવાસ તેમજ દિવાળીના રોજ પાલિકા કચેરી નજીક હોળી પ્રગટાવવા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
છેલ્લા ઘણા દિવસોથી સફાઈ કર્મચારીઓએ તેમની સફાઈ કામગીરી બંધ કરી દેતા શહેરમાં વ્યાપક ગંદકી તેમજ ઉભરાતી ગટરો વચ્ચે નર્કાગાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

સફાઈ કામદારો દ્વારા તેમને માંગણીઓ મુદ્દે મક્કમ રહેતા અને સફાઈની પરિસ્થિતિ વધુ વણસતા આખરે અહીંના ધારાસભ્ય મુળુભાઈ બેરા જિલ્લા પ્રભારી પુનિતભાઈ શર્માની ખાસ ઉપસ્થિતિમાં સફાઈ કર્મચારીઓ સાથે સમજાવટભરી દરખાસ્ત રજૂ કરી, નગરપાલિકામાં વધુ 110 સફાઈ કર્મચારીઓની ભરતી કરવાની બાબત સ્વીકારી, આ આંદોલન પૂર્ણ કરવાનું સર્વસંમતિથી નક્કી કરાયું હતું.

આ માટે જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર, શહેર ભાજપ પ્રમુખ મિલનભાઈ કિરતસાતા, નગરપાલિકા પ્રમુખ વિજયભાઈ કણજારીયા, સફાઈ કામદાર આગેવાન રમેશભાઈ વાઘેલા, પાલિકાના પૂર્વ પ્રમુખ દિનેશભાઈ દતાણી, નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા, નગરપાલિકાના સભ્યો, સહિતના આગેવાનો, હોદ્દેદારોની ઉપસ્થિતિમાં વિવિધ હેડ હેઠળ નગરપાલિકામાં વધુ 110 સફાઈ કર્મચારીઓની ભરતી સ્વીકારી લેવામાં આવતા આ આંદોલન પૂર્ણ કરવામાં આવ્યું હતું. આજરોજ સાંજે ધારાસભ્યની ઉપસ્થિતિમાં વિધિવત રીતે નવા કર્મચારીઓને ઓર્ડર ઇસ્યુ કરવામાં આવશે.
આટલું જ નહીં, પાલિકાના સફાઈ કામદારોએ આજથી રાબેતા મુજબ શહેરમાં સફાઈ કામગીરી શરૂૂ કરી દેતા વ્યાપક ગંદકીથી ત્રાહિમામ પોકારી ચૂકેલા નગરજનોએ રાહતનો દમ ખેંચ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *