ગુજરાતના વાતાવરણમાં હાલ પલટો જોવા મળી રહ્યો છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. પવનોની દિશા બદલાવાના કારણે વહેલી સવારે અને રાત્રે ઠંડક, જ્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ, આજ રાતથી રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાશે, જેના કારણે રાત્રીના સમયે ઠંડીનો ચમકારો વધુ તીવ્ર બનશે.
તાપમાનના આંકડાઓ પર નજર કરીએ તો રાજ્યમાં સૌથી નીચું તાપમાન કચ્છના નલિયા અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે 19 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું છે. બીજી તરફ, દિવસ દરમિયાન સૂર્યના તાપને કારણે રાજ્યનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આમ, દિવસ અને રાતના તાપમાનમાં મોટો તફાવત રહેવાથી લોકો બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજ રાતથી તાપમાનમાં થનારો ઘટાડો લાંબો સમય ટકશે નહીં અને આગામી બે દિવસ બાદ તાપમાનમાં ફરીથી સામાન્ય વધારો જોવા મળશે. વાતાવરણમાં થઈ રહેલા આ સતત ફેરફાર અને ડબલ ઋતુના કારણે શરદી, ઉધરસ અને વાયરલ તાવ જેવા રોગોનું પ્રમાણ વધવાની પૂરી શક્યતા રહેલી છે, જેથી તબીબો દ્વારા નાગરિકોને બદલાતી મોસમમાં ખાણી-પીણી અને સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
