શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતા 88 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ અને તેમના પત્નીને સાયબર ગઠિયાઓએ 12 દિવસ સુધી ’ડિજિટલ એરેસ્ટ’ રાખીને ₹3.44 કરોડની જંગી રકમ પડાવી લીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગઠિયાઓએ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) અને મુંબઈ પોલીસના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપીને દંપતીને ₹122 કરોડના મની લોન્ડરિંગ રેકેટમાં સંડોવણી હોવાની ધમકી આપી હતી અને ત્રણ શેલ કંપનીઓના ખાતામાં કરોડો રૂૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા.
ઘટનાની વિગતો મુજબ, સાયબર ગઠિયાઓએ સૌપ્રથમ વૃદ્ધનો સંપર્ક સાધીને પોતે ઝછઅઈં માંથી બોલતા હોવાનો દાવો કર્યો હતો. તેમણે વૃદ્ધને જણાવ્યું હતું કે તેમના વિરુદ્ધ મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનમાં મની લોન્ડરિંગનો કેસ નોંધાયો છે. ગઠિયાઓએ એવો આક્ષેપ કર્યો હતો કે વાપીમાંથી ઝડપાયેલા ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકના મેનેજર હેમાંગ મહેતાએ પૂછપરછ દરમિયાન તેમનું નામ આપ્યું છે.
જ્યારે વૃદ્ધે હેમાંગ મહેતાને ઓળખતા હોવાનો ઈનકાર કર્યો, ત્યારે કોલાબા પોલીસ સ્ટેશનમાંથી પંકજ જોશી તરીકે ઓળખ આપતા અન્ય એક ગઠિયાએ તેમને વોટ્સએપ વીડિયો કોલ કર્યો હતો. આ ગઠિયાએ દંપતીને ડરાવવા માટે કોર્ટના નકલી આદેશો અને ધરપકડનું વોરંટ પણ બતાવ્યું હતું. એટલું જ નહીં, ગઠિયાઓએ એવો પણ દાવો કર્યો હતો કે તેમના પત્નીના નામે મુંબઈમાં ચાર બેંક ખાતા ખોલવામાં આવ્યા છે, જેનો ઉપયોગ હવાલાના વ્યવહારો માટે થઈ રહ્યો છે. દંપતીને સંપૂર્ણપણે માનસિક દબાણ હેઠળ લાવીને ગઠિયાઓએ તેમને પોતાના તમામ રોકાણોની વિગતો જાહેર કરવા, દિવસમાં ચારથી પાંચ વખત ઓનલાઈન રિપોર્ટિંગ કરવા અને ઘરની બહાર ન નીકળવાની કડક સૂચના આપી હતી.પાછળથી પોતાની સાથે મોટી સાયબર છેતરપિંડી થઈ હોવાનું ભાન થતાં દંપતીએ ન્યાય માટે ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવી છે.
અલગ-અલગ બેન્કની 45 FD તોડી ત્રણ પેઢીમાં પૈસા ટ્રાન્સફર કરાવાયા
ધરપકડ અને બદનામીના ડરથી ભયભીત થઈ ગયેલા વૃદ્ધ દંપતીએ ગઠિયાઓના કહેવા મુજબ પોતાની જીવનભરની મૂડી દાવ પર લગાવી દીધી હતી. તેમણે એડીસી (ADC) બેંકમાં રહેલી 20 ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અને બેંક ઓફ બરોડામાં રહેલી 25 એફડી પાકતી મુદત પહેલા જ તોડાવી નાખી હતી. ત્યારબાદ તેમણે કુલ ₹3.44 કરોડની રકમ શ્યામ એન્ટરપ્રાઈઝ, એસએસ એન્ટરપ્રાઈઝ અને જેપી ઈન્ડસ્ટ્રીયલ્સ નામની ત્રણ કંપનીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી.
